Last Updated on by Sampurna Samachar
વન વિભાગ દ્વારા દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
પ્રકૃતિ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના વાડી વિસ્તારમાં વન્યજીવ સૃષ્ટિ માટે એક કરુણ ઘટના સામે આવી છે. અણખી-દોલતપુરા રોડ પર શિકારની શોધમાં નીકળેલી એક માદા દીપડી અચાનક વીજળીના ટ્રાન્સફોર્મર પર ચડી ગઈ હતી. ડીપી પર ચડતાની સાથે જ હાઈવોલ્ટેજ વીજ કરંટ લાગવાને કારણે દીપડીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકોએ વીજ થાંભલા પર દીપડીનો મૃતદેહ લટકતો જોતા વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા દીપડીના મૃતદેહને નીચે ઉતારી કબજે લેવામાં આવ્યો હતો.
દીપડાની સંખ્યા ૨૬ નોંધાઈ હતી
ત્યારબાદ નિયમ મુજબ દીપડીનું પોસ્ટમોર્ટમ કરાવી તેની મોતનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મોડી સાંજે આ દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩ની પ્રાણી ગણતરી મુજબ આ વિસ્તારમાં દીપડાની સંખ્યા ૨૬ નોંધાઈ હતી, ત્યારે એકાએક આ રીતે દીપડીનું મોત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.