Last Updated on by Sampurna Samachar
LCB એ આ બંને બુટલેગરોની પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીની આડમાં બુટલેગરો બેફામ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી બીજી બાજુ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ છે. બુટલેગરો ફિલ્મી ઢબે દારૂ રાજ્યમાં ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ LCB એ તેમને ઝડપી પાડ્યા છે. બોટમાંથી ૧૩૧ પેટી દારૂનો જથ્થો ભરી જઈ રહેલા બુટલેગરો કોડીનાર (મૂળ દ્વારકા)ના છે. હાલ LCB એ આ બંને બુટલેગરોની પૂછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ૩૧મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને બે બુટલેગરો સહિત ગીર સોમનાથ LCB ટીમ ઝડપી પાડ્યા છે. પોલીસને સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે LCB ની ટીમ ખાનગી ફિશિંગ બોટમાં બેસીને તપાસ કરવા દરિયામાં ગયા હતા. આ દરમિયાન વેરાવળના દરિયામાં ૧.૫ કિ.મી દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતાં તેને ઘેરી તપાસ કરવામાં આવી.
તપાસમાં સામે આવ્યું કે, બે બુટલેગરો દ્વારા દમણમાંથી ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા લઈ જઈ રહ્યા હતા. બોટમાં ૧૩૧ પેટી દારૂ હતો, જેની કિંમત આશરે ૫.૨૫ લાખ રૂપિયા હતી. પોલીસે દારૂનો જથ્થો, બોટ, બે એન્જિન સહિત કુલ ૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બંને બુટલેગરની ઓળખ આરીફ ગફુર ભેંસલિયા, ઈન્દ્રીશ અલરખા મુસાની તરીકે થઈ છે. આ બંને બુટલેગરો દરિયામાં પોલીસને ચકમો આપીને નાસી જવાની પૂરી તૈયારી સાથે આવ્યા હતા. બોટમાં ડીઝલ ભરેલા ચારેક કેરબા અને મોટા હોર્સ પાવરના એક્સ્ટ્રા બે એન્જિન રાખવામાં આવ્યા હતા. જેથી દરિયામાં પોલીસ જોવા મળે તો પૂર ઝડપે બોટ લઈને ફરાર થઈ શકાય.