દારૂના ગુનામાં સંડોવાયેલા એક વ્યકિતની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈડરના કડિયાદરા બડોલી માર્ગેથી દારૂ ભરેલી ગાડી લઈ જવાતી ગાડીનો LCB એ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ સહિત કારને ઝડપી લીધી હતી. પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા એક વ્યકિતને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આવનારી ૩૧ ડિસેમ્બરને લઈ પોલીસ સતર્ક બની ઠેર ઠેર નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા LCB ને બાતમી મળી હતી કે, ઈડર તાલુકાના બડોલી આઉટ પોસ્ટ વિસ્તારના કડીયાદરાથી વડિયાવિર બડોલીના માર્ગેથી એક ચાલક ગાડીમાં વિદેશી દારૂ ભરી ઈડર તરફ આવી રહ્યો છે. આ બાતમી વાળી ગાડી સામેથી આવી રહેલી હોઈ, LCB ની અન્ય એક ટીમ દ્વારા તેનો પીછો કરતા આ સમયે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.
દારૂ ભરેલી ગાડીના ચાલકે વડિયાવીર ગામે પહોંચતાં ભૂતિયા ગામના કમલેશભાઈ અને તેમની પત્ની જે વાડી તરફ જઈ રહ્યા તેમને ગાડીના ચાલકે ટક્કર મારતાં નજીકમાં આવેલી ગટરમાં ખાબક્યા હતા અને ચાલક ગાડી લઈ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને LCB દ્વારા રોડ કોર્ડન કરી વિદેશી દારૂનો જથ્થો સહિત એક યુવકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.