Last Updated on by Sampurna Samachar
અનમોલ ભારતમાં વિદેશમાંથી પૈસા પડાવતો હતો
બાબા સિદ્દીકી, પંજાબી ગાયક મૂસેવાલાની હત્યાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કાંડના આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને તે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો, જ્યાં NIA એ તેની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય ડિપોર્ટ કરાયેલા લોકોને પણ આ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે.

અમેરિકામાં રહેતો અનમોલ બિશ્નોઈ ૨૦૨૨ થી ફરાર છે. તે તેના જેલમાં બંધ ભાઈ લોરેન્સ બિશ્નોઈ દ્વારા સંચાલિત આતંકવાદી સિન્ડિકેટમાં ૧૯મો આરોપી છે. NIA એ માર્ચ ૨૦૨૩ માં તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. NIA ની તપાસ મુજબ, અનમોલે ૨૦૨૦ થી ૨૦૨૩ વચ્ચે અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈને સીધી મદદ કરી હતી. તે ભારતમાં વિવિધ ઘટનાઓના આયોજનમાં સામેલ હતો અને કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અનમોલ બિશ્નોઈ પર ઘણા હાઈ -પ્રોફાઇલ કેસની તપાસ બાકી
અનમોલે યુએસમાંથી બિશ્નોઈ ગેંગના નેટવર્કનું સંચાલન કર્યું હતું. તે ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને નિર્દેશિત કરતો હતો, તેમને આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અનમોલ ભારતમાં વિદેશમાંથી પૈસા પડાવતો હતો. આ કરવા માટે, તેણે અન્ય ગેંગસ્ટરોની મદદ લીધી અને ગેંગની પ્રવૃત્તિઓનું સંકલન કર્યું.
અનમોલ બિશ્નોઈ પર ઘણા હાઈ -પ્રોફાઇલ કેસની તપાસ બાકી છે. કેન્દ્ર સરકાર તે નક્કી કરશે કે તેની આગળની કસ્ટડી કઈ એજન્સીને આપવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અનમોલ સલમાન ખાનના ગેલેક્ટ્રી એપાર્ટમેન્ટ પર એપ્રિલ ૨૦૨૪મા થયેલા ફાયરિંગ કેસમાં પણ વોન્ટેડ છે. મુંબઈ પોલીસ પણ તેને પોતાની કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી કરશે.
મુંબઈ પોલીસે અનમોલના પ્રત્યર્પણ માટે બે પ્રસ્તાવ મોકલ્યા હતા અને દેશભરમાં તેની વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. આ મહિનાની શરૂઆતમાં એજન્સીઓને જાણકારી મળી હતી કે અનમોલ જે અમેરિકા અને કેનેડા વચ્ચે પોતાનું કોલેશન બદલતો રહે છે. તેની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. તેની પાસે નકલી દસ્તાવેજ પર બનેલો રશિયન પાસપોર્ટ પણ મળવાની જાણકારી સામે આવી છે. પાછલા વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં તેની અટકાયત કરવામાં આવી હતી.
અનમોલ બિશ્નોઈનું નામ ૨૦૨૨માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યા કેસમાં પણ સામે આવ્યું હતું. આ દરમિયાન, NCP નેતા અને સ્વર્ગસ્થ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે તેમને એક ઈમેલ મળ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે અનમોલને ભારત મોકલવામાં આવી રહ્યો છે. ઝીશાને કહ્યું કે અનમોલને ભારત લાવવામાં આવે અને તેના ગુનાઓ માટે સજા આપવામાં આવે.