Last Updated on by Sampurna Samachar
ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ
જૂની બસોને કારણે મુસાફરોને પડતી હાલાકી હવે દૂર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લાના બોરસદ વિસ્તારના નાગરિકો માટે નવી અત્યાધુનિક બસો ફાળવવામાં આવી છે. વાત કરીએ તો બોરસદ-આણંદ રૂટ પર લાંબા સમયથી નવી બસોની જે માંગ હતી તે માંગ ST વિભાગ દ્વારા પૂરી કરવામાં આવી છે. જોકે, આ લોકાર્પણ કાર્યક્રમ માત્ર રીબીન કાપવા સુધી સીમિત ન રહ્યો, પણ ધારાસભ્ય યોગેશ પટેલના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સ્ટેયરિંગ પર હાથ અને ચહેરા પર સ્મિત નવા રૂટની બસોના લોકાર્પણ પ્રસંગે બોરસદના ધારાસભ્ય યોગેશ પટેલે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ કંઇક નવું કરવાનું વિચાર્યુ. તેમણે પ્રોટોકોલ બાજુ પર મૂકીને પોતે જ ડ્રાઇવરની સીટ સંભાળી લીધી હતી. ધારાસભ્યએ ઉત્સાહપૂર્વક બસનું સ્ટેયરિંગ પકડીને બસ ચલાવી હતી અને નવા રૂટનું વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ
ધારાસભ્ય દ્વારા બસ ચલાવવાનો આ વીડિયો સામે આવતા જ લોકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતું. આ કાર્ય બાદ તેમની આસપાસ કાર્યકરો અને એસટી વિભાગના કર્મચારીઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોએ તેમના આ સાદગીભર્યા અને ઉત્સાહી અભિગમને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બોરસદ અને આણંદ વચ્ચે દરરોજ હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ અવરજવર કરે છે. જૂની બસોને કારણે મુસાફરોને પડતી હાલાકી હવે દૂર થશે. નવી બસો આવવાથી મુસાફરી વધુ સુખદ અને સમયસર બનશે. બોરસદમાં નવી બસોના પ્રારંભ સાથે ધારાસભ્યના ડ્રાઈવિંગ કૌશલ્યે આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.