Last Updated on by Sampurna Samachar
નવસારી જિલ્લામાં આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો
છેલ્લી ઘડી સુધી નામોની સત્તાવાર જાહેરાત ન થતા અનેક દાવેદારોનું બ્લડ પ્રેશર વધ્યું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી જિલ્લામાં આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે દાવેદારોમાં ભારે ઉત્કંઠા અને ચિંતા જોવા મળી રહી છે. જિલ્લાના ‘ચૂંટણીના મુરતિયાઓ‘ ગણાતા સંભવિત ઉમેદવારો હાલ અનિશ્ચિતતાની સ્થિતિમાં છે.

છેલ્લી ઘડી સુધી નામોની સત્તાવાર જાહેરાત ન થતા અનેક દાવેદારોનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે અને રાજકીય લોબિંગ તેજ બન્યું છે.ભલે નામોની જાહેરાત બાકી હોય, પણ સંગઠન સ્તરે વહીવટી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવસારી ભાજપના લીગલ સેલ દ્વારા સંભવિત ઉમેદવારોના નામાંકન ફોર્મ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમયના અભાવે છેલ્લી ઘડીએ કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તે હેતુથી લીગલ સેલ દ્વારા દસ્તાવેજોની ચકાસણી અને ફોર્મ ભરવાની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રાજકીય લોબિંગ તેજ બન્યું
સંભવિત નામોની યાદી મુજબ ફોર્મ તૈયાર રાખવાની સૂચના મળતા જ ગતિવિધિઓ વધી છે.નવસારીમાં ઉમેદવારો નક્કી કરવા માટેનું કોકડું ગુચવાયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી લીલી ઝંડી મળી નથી. બીજી તરફ, દાવેદારો દ્વારા પણ પોતાના નામ નિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જેમ-જેમ સમય વીતી રહ્યો છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ કોના પર કળશ ઢોળે છે અને કયા નવા ચહેરાઓને તક મળે છે કે જૂના જોગીઓ રિપીટ થાય છે.