Last Updated on by Sampurna Samachar
આશરે ૬૦ લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ
ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન હેઠળના ગામોમાં વીજચોરીએ માઝા મૂકી છે. ત્યારે તંત્ર દ્વારા વર્ષના અંતિમ દિવસે હાથ ધરાયેલ આકસ્મિક વીજ ચેકીંગમાં લીંબડી, ચુડા તેમજ સાયલાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પાયે વીજચોરી ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.

તંત્ર દ્વારા આ સાથે ચેકીંગ દરમ્યાન ગેરરીતિ કરતા સો થી વધુ જોડાણ ધારકોને ૬૦ લાખથી વધુની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન અંતર્ગત આવતા ત્રણ તાલુકાઓના ગામોમાં વહેલી સવારથી જ ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
PGVCL ની ૪૨ જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું
લીંબડી, પાણશીણા,ચુડા ગ્રામ્ય તેમજ સાયલાના ગામોમાં એક સાથે હાથ ધરાયેલ કાર્યવાહીમાં PGVCL ની ૪૨ જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. GUVNL ડ્રાઇવ અંતર્ગત યોજાયેલ વીજ ચેકિંગમાં સાયલા શહેર, વખતપર, નવા સુદામડા, કેરાળા, મદારગઢ, ડોળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી.
તંત્રની ટીમો દ્વારા કુલ ૪૭૦ જેટલા ઘર વપરાશના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૯ જોડાણોમાં ગેરરીતી બહાર આવતા તમામને મળી આશરે ૬૦ લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.