Last Updated on by Sampurna Samachar
તમામ ૧૭૩ મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કઢાયા
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA ૩૦૨૩માં લેન્ડિંગ ગિયરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. લેન્ડિંગ ગિયરમાં આગ લાગતાં વિમાનમાં સવાર તમામ ૧૭૩ મુસાફરો અને છ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન ડેનવરથી મિયામી માટે રનવે ૩૪ન્ પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનના ટાયરમાં સમસ્યા આવી હતી, જેના કારણે વિમાનને રનવે પર રોકવું પડ્યું હતું. ડેનવર એરપોર્ટે પુષ્ટિ આપી હતી કે બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. જોકે, ગેટ પર રહેલા એક વ્યક્તિને નાની ઇજાઓ થવાને કારણે તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ તપાસ શરૂ કરી
તમને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રનવેની વચ્ચે ઉભેલા વિમાનના ટાયરમાં આગ લાગી છે અને મુસાફરો ગાઢ ધુમાડા વચ્ચે વિમાનમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નંબર ૩૦૨૩ના લેન્ડિંગ ગિયરમાં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખામી આવી હતી જ્યારે તે સ્થાનિક સમય મુજબ બપોરે ૨.૪૫ વાગ્યે મિયામી જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી છે.