Last Updated on by Sampurna Samachar
હાલમાં જમીન દલાલ સુરેશ ઘોરી પોલીસના સકંજામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં મંદિરના નામે જમીન ખરીદવાની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીન ખરીદી મામલે છેતરપિંડી થયાની ફરિયાદ થઇ છે. જમીન દલાલ સુરેશ ઘોરીએ ખેડૂતને તેની જમીન પર ગૌશાળા અને મંદિર બનાવવામાં આવશે તેમ કહી જસ્મીન માઢક પાસેથી રૂપિયા લઈ દસ્તાવેજ કરી લીધા. પરંતુ નક્કી કર્યા મુજબ જમીન વેચાણના ૩ કરોડ રૂપિયા ના આપતા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ દહેગામ પાસે રહેતા એક ખેડૂતે જમીન દલાલને મંદિર બનાવવા તેમની જમીન વેચી. દહેગામ નજીક લીંબા ગામની ૫૧૦ વીઘા જમીન ઉપર ગૌશાળા અને ભવ્ય મંદિર બનાવવામાં આવશે તેમ જમીન દલાલે સુરેશ ઘોરીએ કહ્યું અને આ સોદો ૩ કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો. ખેડૂતને પોતાની જમીન પર ગૌશાળા અને મંદિરના સારા ઉપયોગમાં આવતા વધુ કિમંત થતી હોવા છતાં ૩ કરોડમાં વેચાણ કરવા મંજૂરી આપી. ખેડૂત અને જમીન દલાલ વચ્ચે વેચાણનો સોદો નક્કી થયો. અને આ જમીન ખરીદીનો બાનાખત જસ્મીન માઢક સાથે કરવામાં આવ્યો હતો. જોકે જસ્મીન માઢકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા ફરિયાદ નોંધાવી હતી. તેમજ છેતરપિંડીની જાણ થતા જસ્મીન માઢકની સાથે ખેડૂતે પણ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મંદિરના નામે જમીન ખરીદીને લઈને રૂ. ૩ કરોડની છેતરપિંડી કરનાર જમીન દલાલ લાંબા સમયથી ફરાર હતો. જો કે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતાં હાલમાં સુરેશ ઘોરી પોલીસના સકંજામાં છે. પોલીસે છેતરપિંડીને લઈને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કર્યો. કોર્ટે આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો. રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં અનેક લોકોએ સ્વામીઓ અને સ્વામીઓના સાગરિત વિરુદ્ધ સમાન પ્રકારની ફરિયાદ કરી છે. આ મામલાની ગંભીરતાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.