Last Updated on by Sampurna Samachar
ડભોઇથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી ફોર લેન હાઈવેનું નિર્માણ
ટ્રાફિકનું ઘટાડવા માટે ડભોઇ, કેલનપુર અને તિલકવાડા નવા બાયપાસ બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના સૌથી ઊંચા સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘તરફ જતા પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી એકતા નગર સુધીના સ્ટેટ હાઈવે-૬૩ને પહોળો કરવાની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લાની ૧૮૬ હેક્ટર અને નર્મદા જિલ્લાની ૧૧૬ હેક્ટર મળીને કુલ મોટી માત્રામાં ખાનગી જમીન હસ્તગત કરવામાં આવશે. વડોદરા જિલ્લાના ૨ ગામો અને ડભોઇ તાલુકાના ૧૭ ગામોની જમીન આ સંપાદન પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવી છે. આ સમગ્ર ૮૪ કિમી લાંબા હાઈવેને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે: વડોદરાથી ડભોઇ: આ માર્ગને ૬ લેન બનાવવામાં આવશે. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી: આ માર્ગને ૪ લેન હાઈવેમાં ફેરવવામાં આવશે.
ડભોઇ જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડભોઇ, કેલનપુર અને તિલકવાડા ખાતે નવા બાયપાસ બનાવવામાં આવશે. આ સુધારાથી પ્રવાસીઓનો સમય બચશે અને ડભોઇ જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા હળવી બનશે. આગામી સમયમાં આ હાઈવે કાર્યરત થતા વડોદરા અને નર્મદા જિલ્લા વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે અને પર્યટનને વધુ વેગ મળશે.