Last Updated on by Sampurna Samachar
લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ જેવી સ્થિતિમાં
ભારતના દબાણ બાદ જ પ્રશાસને નિર્ણય લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા )
ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL ) ના પૂર્વ અધ્યક્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલા લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આવી સ્થિતિમાં લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ જેવી સ્થિતિમાં છે.
વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. લલિત મોદી ૨૦૧૦ માં ભારત છોડીને લંડનમાં રહેતો હતો. તેણે અનેકવાર ઈન્ટરવ્યુ પણ આપ્યા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.
વનઆતુના PM એ આદેશ આપ્યો
ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા બાદ ખબર પડી કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુની નાગરિકતા લીધી છે. તેને ગોલ્ડન પાસપોર્ટ મળ્યો છે. મહત્વનું છે કે વનુઆતુ સમૃદ્ધ લોકોને તેમના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાં માત્ર ૧.૩ કરોડ રૂપિયા ખર્ચીને પાસપોર્ટ મેળવી શકાય છે. જોકે, અહેવાલોમાં જણાવાયું છે કે વનુઆતુના વડાપ્રધાને તેમના નાગરિકતા પંચને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.
હજુ સુધી એ જાણી શકાયું નથી કે શું વનુઆતુએ આ પગલું પોતાની રીતે લીધું છે કે પછી આ ર્નિણય ભારતના હસ્તક્ષેપ બાદ લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી ૧૯૮૦ માં જ આઝાદી મળી હતી. હાલમાં, ૮૩ નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસ્તી માત્ર ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દૃષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.
લલિત મોદીએ ભારતીય એજન્સીઓની પકડમાંથી છટકી જવા માટે આખો પ્લાન બનાવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે બીજા દેશની નાગરિકતા મેળવ્યા બાદ તેનું પ્રત્યાર્પણ ઘણું મુશ્કેલ બની જશે. વનુઆતુના મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે ભારતના દબાણ બાદ જ પ્રશાસને લલિત મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરાવવામાં ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણની મોટી ભૂમિકા હતી. વનુઆતુ શરૂઆતમાં લલિત મોદીના રેકોર્ડથી અજાણ હતું. તે ભાગેડુ હોવાની માહિતી મળ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.