Last Updated on by Sampurna Samachar
કરોડની રોકડ ભેટ યાત્રિકોએ છુટા હાથે ભંડારામાં નાખી
૨૫ લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં દિવાળી અને વિક્રમ સવંત ૨૦૮૨ના નવા વર્ષનો મીની વેકેશન પૂર્ણ થયું છે. ત્યારે આ સાતથી આઠ દિવસમાં યાત્રાધામ અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને બેસતુ વર્ષ અને લાભ પાંચમે માં અંબેના દર્શન કરી પોતાના ધંધા અને પેઢીના મુહૃત કર્યા હતા. ત્યારે આ ૭ થી ૮ દિવસ માં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માં અંબેના ભંડારાને દાન દક્ષિણાથી દાન પેટીઓ છલકાવી દીધો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ૨૫ થી ૩૦ જેટલો મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા.
દેવદિવાળી સુધી યાત્રિકોનો ઘસારો રહે તેવી શક્યતા
સાતથી આઠ દિવસના આ મીની વેકેશનમાં અંબાજી મંદિરને રૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમની રોકડ ભેટ મળવા પામી છે. જેમાં એક રૂપિયા કરોડની રોકડ ભેટ યાત્રિકોએ છુટા હાથે ભંડારામાં નાખી હતી. જયારે રૂપિયા ૨૫ લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી.
એટલું જ નહિ આ મીની વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ૪૦૦ ગ્રામ જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું છે જે શ્રદ્ધાળુઓ એ સોનાની લગડીઓ મંદિરના ભંડારમાં ગુપ્ત દાન તરીકે નાખવામાં આવી હતી. જે અંદાજે આ મીની વેકેશન દરમિયાન ૫૦ લાખ ઉપરાંતનું સોનુ મંદિર ટ્રસ્ટને ગુપ્ત દાન મળવા પામ્યું છે.
મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વેકેશન દરમિયાન યાત્રિકોને સુચારુ રૂપે માતાજીના દર્શન મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેને લઇ આ મીની વેકેશન દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી નથી અને હજી યાત્રિકોનો અવિરતપણે પ્રવાહ મંદિરે જોવા મળી રહ્યો છે જે આગામી કાર્તિકસુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી સુધી હજી યાત્રિકોનો ઘસારો રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
 
				 
								