ઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ સુપર જાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૦૨૫ની સીઝન માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ પુષ્ટિ કરી છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત IPL ૨૦૨૫માં ટીમનું નેતૃત્વ કરશે. ગત સિઝન સુધી કેએલ રાહુલ લખનૌના કેપ્ટન હતા, પરંતુ IPL ની હરાજી પહેલા તેમને રિલીઝ કરવામાં આવ્યા હતા.
IPL ૨૦૨૫ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંત માટે ઐતિહાસિક બોલી લગાવી હતી. લખનૌએ આ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો . સંજીવ ગોએન્કાએ ઋષભ પંત સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે ઋષભ પંત પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. ગોએન્કાએ કહ્યું હતું કે, “હાલમાં લોકો IPL સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં ‘માહી અને રોહિત’નું નામ લે છે, પરંતુ મારા શબ્દોને યાદ રાખજો, ૧૦-૧૨ વર્ષ પછી તે યાદીમાં ‘માહી, રોહિત અને ઋષભ પંત’નું નામ હશે.”
ઋષભ પંતે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી. તેમને દિલ્હીની ટીમે જાળવી રાખ્યો નહોતો, જેના કારણે તેમણે ૨૦૧૬ પછી પ્રથમ વખત હરાજીમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હીની ટીમે પંત માટે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અંતે લખનૌની ટીમે પંતને ૨૭ કરોડમાં ખરીદ્યો હતો. ઋષભ પંતે ૪૩ મેચમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ટીમે ૨૩ મેચ જીતી હતી અને ૧૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.
IPL ૨૦૨૫ માટે અત્યાર સુધી સાત ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ છે. હવે આરસીબી, કેકેઆર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટનની જાહેરાત થવાની બાકી છે.