ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રેલ્વે અધિકારીએ કરી સ્પષ્ટતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પરથી માનવતાને કલંક લાગે તેવી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર રાતના સમયે સૂઈ રહેલા લોકોને ઉઠાવવા માટે સફાઈ કર્મચારીઓ તેમના પર કડકડતી ઠંડીમાં ઠંડુ પાણી નાખી રહ્યા છે. આ દરમિયાન સૂઈ રહેલા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકોને ભર નિંદરમાંથી ઉઠવું પડ્યું હતું. ભીષણ ઠંડીમાં રાતના સમયે પાણી ઉડવા લોકો ધ્રુજવા લાગ્યા હતા. કડકડતી ઠંડીમાં પાણી પડવાથી બાળકો અને મહિલાઓ રડવા લાગી હતી. પણ સફાઈ કર્મચારીઓને જરાં પણ દયા આવી નહીં.
ચારબાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ૮ અને ૯ પર પાણી ટ્રેનોની રાહ જોઈ રહ્યા મુસાફરો પર કડકડતી ઠંડીમાં પાણી ફેંકવામાં આવ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રેલવે અધિકારીઓએ સ્પષ્ટતા આપી છે, કર્મચારીઓને ફટકાર લગાવી છે અને આ પ્રકારની હરકત ફરી વાર ન થાય તેની ચેતવણી પણ આપી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સફાઈ કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે આ પ્રકારની ઘટનાથી લોકો ખૂબ જ ગુસ્સે થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો ભારતીય રેલવે પર ગુસ્સો કાઢી રહ્યા છે. યુઝર્સે સફાઈકર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એક યાત્રીએ જણાવ્યું કે, માસૂમ બાળકો અને નાના બાળકો પોતાની માતાના ખોળામાં સૂઈ રહ્યા હતા, પણ તેમ છતાં કર્મચારીઓએ તેમના પર પાણી નાખ્યું. રેલવે સ્ટેશનની સફાઈના નામ પર કર્મચારીઓએ એ પણ ન જોયું કે, ઠંડીમાં રાતના સમયે લોકો પોતાના પરિવાર સાથે સુઈ રહ્યા છે. આ દરમ્યાન માસૂમ બાળકો અને વૃદ્ધો પણ સ્ટેશન પર સુઈ રહ્યા હતા. આ દરમ્યાન કર્મચારીઓએ તેમના પર પાણી નાખવાનું શરુ કરી દીધું.