યુવતીને બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતાં મામલો માનવઅધિકાર પંચે પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વ્યાજખોરીનું દુષણ સમાજમાં એટલું પ્રચલિત થઈ ગયું છે કે આ વર્તુળમાં ફસાયેલ વ્યક્તિ કંઈપણ કરીને તેમાંથી બહાર આવી શકતી નથી. દરરોજ રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાંથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક યુવતી લોન અને વ્યાજના ચક્કરમાં ફસાઈ ગઈ.
મળતી માહિતી અનુસાર, વડોદરાના અલકાપુરીમાં એક યુવતીને ચાઈનીઝ એપમાંથી લોન લેવી ભારે સાબિત થઇ છે. જો તે લોન નહીં ચૂકવે તો યુવતીને તેનો અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. યુવતીને ધમકી આપવામાં આવી હતી કે જો તે લોન નહીં ચૂકવે તો ગંદા મેસેજ અને ન્યૂડ ફોટા વાયરલ કરવામાં આવશે. આ લોન ચુકવવા માટે યુવતીએ અલગ-અલગ સમયે સાત લોકો પાસેથી અલગ-અલગ રકમ લીધી હતી, પરંતુ બાદમાં વ્યાજખોરોએ યુવતી પર પૈસા પડાવવાનું દબાણ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.
સમગ્ર વાત એવી છે કે જ્યારે યુવતીને પૈસાની જરૂર હતી ત્યારે તેણે ચાઈનીઝ એપ ડાઉનલોડ કરી અને તેના દ્વારા લોન લીધી. જો તે લોન નહીં ચુકવે તો તેના બિભત્સ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી યુવતીએ આ લોન ચૂકવવા માટે ૭ લોકો પાસેથી ૬૩.૩૭ લાખ વ્યાજે લીધા હતા.
યુવતીએ ૬૩.૩૭ લાખના બદલામાં વ્યાજખોરોને ૧.૪૧ કરોડ ચૂકવ્યા, તેમ છતાં વ્યાજખોરો પૈસા વસૂલતા રહ્યા. આ સાથે પૈસાની ઉઘરાણી પણ કરતા હતા અને યુવતીનું આર્થિક અને શારીરિક શોષણ પણ કરતા હતા.બમણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનાથી કંટાળીને યુવતીએ પોલીસની મદદ માંગી હતી. પરંતુ પોલીસ મદદ કરવા તૈયાર ન થતાં મામલો માનવ અધિકાર પંચ સુધી પહોંચ્યો હતો. માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાતા આખરે સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
યુવતીએ જયદીપ ધીરુભાઈ પરડવા પાસેથી ૨૧.૪૯ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, અને વ્યાજ સહિત ૬૧.૨૨ લાખ ચૂકવ્યા. જયારે ઝીલ વિક્રાંત દીક્ષિતે શીતલ ભટ્ટ પાસેથી ૨૯ હજાર અપાવ્યા હતા, જેને ૫૯ હજાર ચૂકવી દીધા પછી પણ ઝીલે અને શીતલ ભટ્ટે ઉઘરાણી ચાલુ રાખી. પારુલ રાકેશ શાહ પાસેથી ૧૪.૮૯ લાખ લીધા હતા, ૨૭.૭૧ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. હસ્મિતા પટેલ પાસેથી ૪.૬૪ લાખ લીધા અને ૨૩.૫૨ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. શિવમ શર્મા પાસેથી ૫.૭૪ લાખ રૂપિયા વ્યાજે લીધા, ૬.૬૬ લાખ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. મયંક પટેલ પાસેથી ૧૬.૩૦ લાખ રૂપિયા લીધા અને ૨૧.૬૫ લાખ ચૂકવ્યા તેમ છતાં ઉઘરાણી ચાલુ રાખી. યુવતીએ વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેથી યુવતીએ સયાજીગંજ પોલીસને ફરિયાદ નોંધાવી છે.