Last Updated on by Sampurna Samachar
રૂપરાઈ તળાવની કાયાપલટ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના તીર્થધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં વિકાસની નવી કેડી કંડારાઈ રહી છે. જેમાં રૂ.૩૨.૭૧ કરોડના ખર્ચે આ તીર્થધામનો વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં રૂપરાઈ તળાવનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૧ના બજેટમાં ફાળવવામાં આવેલી આ રકમમાંથી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આશાપુરા માતાજીનું મંદિર, રૂપરાઈ તળાવ, ચાચરા કુંડ અને ખટલા ભવાની મંદિર સહિતના સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રૂપરાઈ તળાવની કાયાપલટ કરવામાં આવી છે, જેમાં પાકા બાંધકામ સાથે ગોળાકાર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ તળાવની ફરતે આધુનિક લાઇટિંગ સિસ્ટમ, આરામદાયક બેન્ચીસ અને બાળકો માટે રમત-ગમતના સાધનો મૂકવામાં આવ્યાં છે. તળાવની ફરતે પ્રદક્ષિણા અને વોકિંગ માટેનો માર્ગ બનાવવામાં આવ્યો છે, જ્યાં વિવિધ સ્થળોએ છાયડા માટે છાવણીઓ પણ ઊભી કરવામાં આવી છે. તળાવના ઓગન પાસે વિવિધ યોગાસનની મુદ્રાઓમાં પ્રતિમાઓ મૂકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માં આશાપુરાજીના દર્શન કર્યા હતા અને યાત્રાધામના વિકાસની નેમ વ્યક્ત કરી હતી. હાલમાં આ સ્થળે ચાલી રહેલા વિકાસ કાર્યોથી યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળશે અને સ્થળની આધ્યાત્મિક મહત્તા વધુ ઉજાગર થશે.