Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત
સંગાકારા હવે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન કુમાર સંગાકારા હવે રાજસ્થાન રોયલ્સમાં બીજી એક મોટી જવાબદારી સંભાળશે. આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે તેમને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સે IPL ૨૦૨૫ પહેલા સંગાકારાને ફ્રેન્ચાઇઝના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. સંગાકારા હવે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે અને ટીમને બીજા IPL ટાઇટલ તરફ દોરી જવાનો પ્રયાસ કરશે.

કુમાર સંગાકારા અગાઉ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. ૪૮ વર્ષીય ખેલાડીએ અગાઉ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી રોયલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી અને દ્રવિડને ૨૦૨૫ સિઝન માટે મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ટુર્નામેન્ટની પાછલી સિઝનના સમાપન પછી દ્રવિડે મુખ્ય કોચ તરીકે રાજીનામું આપ્યું. દ્રવિડના નેતૃત્વ હેઠળ રાજસ્થાન રોયલ્સ IPL ૨૦૨૫માં પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહ્યું. ટીમ ૧૪માંથી ફક્ત ૪ મેચ જીતી શકી.
રાજસ્થાન રોયલ્સ હવે નવા કેપ્ટનની શોધમાં
મુખ્ય કોચ બન્યા પછી કુમાર સંગાકારાએ કહ્યું, “મુખ્ય કોચ પદ પર પાછા ફરવાનો મને ગર્વ છે. હું આ પ્રતિભાશાળી ગ્રુપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. અમારી પાસે એક મજબૂત કોચિંગ ટીમ છે. વિક્રમ, ટ્રેવર, શેન અને સિડ બધાને પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે. તેથી અમે ખેલાડીઓને શ્રેષ્ઠ રીતે તૈયાર કરીશું. અમને ખબર છે કે અમારે શું કરવાની જરૂર છે.
અમે એક મજબૂત ટીમ બનાવવા માંગીએ છીએ.” સંગાકારાની વાત કરીએ તો, તેના નેતૃત્વમાં ફ્રેન્ચાઇઝી ૨૦૨૨ની ફાઇનલમાં પહોંચી અને ૨૦૨૪માં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. હવે રાજસ્થાન રોયલ્સ આગામી IPL સીઝનમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.
સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં ગયા પછી રાજસ્થાન રોયલ્સ હવે નવા કેપ્ટનની શોધમાં છે. કુમાર સંગાકારાનો સૌથી મોટી પડકાર નવા કેપ્ટનની શોધ હશે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ છે અને રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં જોડાયો છે. પરંતુ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડી પર વિશ્વાસ કરશે તે જોવાનું બાકી છે.