Last Updated on by Sampurna Samachar
રોહિત શર્મા હસતા હસતા DRS લેવાની ના પાડતા જોવા મળ્યા
સ્પિનર કુલદીપ યાદવનો વિડીયો થયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ આફ્રિકા સામે ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં DRS ને લઈને સ્પિનર કુલદીપ યાદવનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા હસતા હસતા તેને DRS લેવાની ના પાડતો જોવા મળે છે.

આ વીડિયો વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી વનડે મેચનો છે. આ મેચમાં કુલદીપ યાદવે કુલ ચાર વિકેટ લીધી હતી. મેચ પછી એ ઘટનાને લઈને કુલદીપ યાદવે માન્યું કે, DRS મામલે તેની માન્યતા સાચી નથી હોતી.
કુલદીપે આ મેચમાં ચાર વિકેટ ઝડપી
તેણે આ વાત સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે દરમિયાન રોહિત શર્મા સાથે DRS ને લઈને રમૂજી વાતચીતના સંદર્ભમાં કહી હતી. જેને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. પહેલી સ્લિપમાં ફિલ્ડિંગ કરતા રોહિત કુલદીપને અપીલ કરવા અને કેપ્ટન કેએલ રાહુલ પર DRS લેવાનું દબાણ આપવાથી રોકવા માટે ઓછામાં ઓછા ત્રણ વાર વચ્ચે પડ્યો અને એ દરમિયાન તે હસી રહ્યો હતો.
કુલદીપે BCCI ના વીડિયોમાં કહ્યું, “જાહેર છે કે DRS લેવાના મામલે મારો અંદાજ ઘણીવાર ખોટો નીવડે છે. મને લાગે છે કે એક DRS તો મારા માટે જ રાખવામાં આવે છે.” તેમણે આગળ કહ્યું, “બોલર હોવાને કારણે હંમેશા એવું લાગે છે કે આ વિકેટ મારી જ છે, આ પ્લેયર આઉટ જ છે. પણ રોહિત ભાઈ, KL ભાઈ, એ લોકો વિકેટ પાછળ ઊભા હોય છે એટલે તેમને વધારે સારી રીતે ખબર પડે છે કે બોલ સ્ટમ્પ્સ છોડીને જઈ રહ્યો છે કે નહીં. બોલની ઊંચાઈ અને ઇમ્પેક્ટ વિશે પણ તેમને વધારે જાણકારી હોય છે.”
કુલદીપે કહ્યું, “પણ હું હંમેશા એવું જ માનું છું કે બેટ્સમેન આઉટ થઈ ગયો છે.” કુલદીપે આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૭૦ રન પર ઓલઆઉટ કર્યા પછી સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
તેમણે કહ્યું, “માત્ર બે DRS હોય છે, એટલે સાચી રીતે ઉપયોગ કરવા માટે આવા લોકોની જરૂર પડે છે, નહીં તો તમે DRS ને વેડફી નાખો. એટલે મારે એમને પણ ક્રેડિટ આપવું જોઈએ કે તેઓ સમજાવે છે કે DRS સમજદારીથી વાપરવો જોઈએ અને આપણે એવું ન વિચારીએ કે આપણે એ બગાડી દીધા છે.”
કુલદીપે કહ્યું, “રોહિત ભાઈ હંમેશા ત્યાં હાજર રહે છે. એ મને પૂછે છે કે હું આ લાઇન વિશે શું વિચારું છું. જ્યાં સુધી બોલની ઊંચાઈની વાત છે, એનો અંદાજ હું લગાવી શકું, પણ બોલની લાઇન અને તેના ઇમ્પેક્ટ વિશે ર્નિણય લેવો બહુ મહત્વપૂર્ણ હોય છે.”