Last Updated on by Sampurna Samachar
સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્ર કે નિવૃત્ત શિક્ષક, હવે મતદારો પર મદાર
ઉમરેઠ પેટાચૂંટણી માટે ભાજપે હર્ષદ પરમાર અને કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પણ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.

ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપના ઉમેદવારે આજે ઉમેદવારી નોંધાવી જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર સોમવારે નામાંકન કરવાના છે.
હર્ષદ પરમારે ભવ્ય શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી
ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે, તો કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભૃગુરાજ સિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી આ બેઠક પર બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. ૪ એપ્રિલે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી.
ઉમરેઠમાં યોજાયેલી જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા. ત્યારબાદ ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો નીકળ્યો, જેમાં આખું શહેર જાણે કેસરીયા રંગે રંગાઈ ગયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા અને સભાને સંબોધિત કરી. તેમણે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના અધૂરા કાર્યો હવે તેમના પુત્ર હર્ષદ પરમાર પૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રોડ શોમાં લોકો રસ્તાની બાજુએ ઊભા રહી પુષ્પવર્ષા કરતા જાેવા મળ્યા, જ્યાં ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આણંદના સાંસદ મિતેષ પટેલ અને ભાજપના સ્થાનિક નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
તો બીજી તરફ કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસના ઉમેદવાર ભૃંગરાજસિંહ ચૌહાણ સોમવારે ઉમેદવારી નોંધાવશે. તેમને ટિકિટ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ દ્વારા ૩૦ વર્ષના અનુભવ ધરાવતા વરિષ્ઠ નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજ સિંહ ચૌહાણએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે માટે હું આભાર માનું છું.
વિસ્તારના લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને હું પ્રજાના વચ્ચે જઈશ અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે કામ કરીશ. મને વિશ્વાસ છે કે પ્રજાના આશીર્વાદથી અમે આ ચૂંટણીમાં ચોક્કસ જીત મેળવશું.
ઉમરેઠ બેઠક પર હવે ચૂંટણી રસપ્રદ બની રહી છે અને તમામ પક્ષો દ્વારા જાેરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉમરેઠમાં હવે સીધી ટક્કર છે ભાજપ સામે કોંગ્રેસની, જ્યાં પ્રજાનો ર્નિણય નક્કી કરશે કે કોને મળશે જીતનો તાજ. આમ, બે પક્ષોની જંગ સાથે અહી ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય રાજનીતિ પણ જાેવા મળી રહી છે. હવે સમાજ કોને વોટ આપીને જીતાડશે તે તો સમય અને સંજાેગો જ નક્કી કરશે.