Last Updated on by Sampurna Samachar
કામરાની 7 એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં
જનસુરાજ પાર્ટીના પ્રમુખ કૃણાલના સમર્થનમાં ઉતર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. કામરાની મદ્રાસ હાઈકોર્ટ (HIGHCOURT) માં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની 7 એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને ૩૧ માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.

જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું કે, કુણાલ રાજનીતિ નથી કરતો. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વિરૂદ્ધ કટાક્ષ કરતી પૅરોડી બનાવ્યા બાદ રાજકારણમાં હોબાળો મચ્યો હતો.
તે રાજકારણમાં કોઈનો હરીફ નથી
શિવસેના, ભાજપ સહિતના પક્ષોએ કામરાની ટીકા કરી હતી. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, કામરાએ માફી માંગવાનો ઈનકાર કરતાં વધુ એક પૅરોડી બનાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. આટલેથી ન અટકતાં કામરાએ દેશના નાણા મંત્રી ર્નિમલા સીતારમણ પર પણ ટીખળ કરી હતી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, કામરા રાજનીતિ કરી રહ્યો નથી. તે કોઈ ખોટો ઈરાદો ધરાવતો નથી. જ્યાં સુધી હું કામરાને જાણું છું, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે મારો સારો મિત્ર છે. તેણે અમુક એવી વાતો કહી જેના લીધે વિવાદ થયો. પરંતુ કામરા કોઈ ખોટી ભાવના સાથે બોલ્યો નથી. કુર્ણાલ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની સાથે સ્ટેન્ડઅપ કોમેડી પણ કરે છે. તે રાજકારણમાં કોઈનો હરીફ નથી.
પીકેએ કુણાલ કામરાના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, થઈ શકે તેનાથી શબ્દોની પસંદગી કરવામાં ભૂલ થઈ હોય, જો તેણે એમ કર્યું હોય તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હું આટલું કહી શકુ છું કે, તે દેશ અને બંધારણનું સન્માન કરે છે.