Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ
VSR એવિએશને અન્ય ચાર લોકોના મોત અંગે માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. સવારે બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. આ વિમાનમાં અજિત પવાર ઉપરાંત, તેમાં ચાર અન્ય લોકો સવાર હતા. વિમાન સંચાલક VSR એવિએશને અન્ય ચાર લોકોના મોત અંગે માહિતી આપી.

એવિએશન દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી કે અકસ્માતમાં સામેલ પાઇલટ સુમિત કપૂર અને સહ-પાઇલટ સંભવી પાઠક હતા. એવિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને પાઇલટ સારી રીતે તાલીમ પામેલા હતા અને વિમાનમાં કોઈ ખામી નહોતી. બે ક્રૂ સભ્યો ઉપરાંત અજિત પવારના બે સ્ટાફ સભ્યો, વિદીપ જાધવ અને પિંકી માલી પણ વિમાનમાં હતા.
આંખના પલકારામાં ક્રેશ થયું વિમાન
અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈ બચી શક્યું નથી. લિયરજેટ ૪૫ VSR એવિએશન દ્વારા સંચાલિત હતું અને તેનું રજીસ્ટર VT-SSK હતું. નાગરિક ઉડ્ડયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે ૮:૪૮ વાગ્યે રન-વે ૧૧ ના થ્રેશહોલ્ડ નજીક ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે વિમાને નિયંત્રણ ગુમાવ્યું. વિમાન રનવે સાથે અથડાયું અને તરત જ આગ લાગી ગઈ.

અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે. લિયરજેટ ૪૫ એક મધ્યમ કદનું બિઝનેસ જેટ છે જે તેના અદ્યતન એવિઓનિક્સ, શ્રેષ્ઠ પ્રદર્શન અને મોટા કેબિન માટે જાણીતું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ચાર્ટર સેવાઓ અને સત્તાવાર મુસાફરી માટે થાય છે.
ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે લપસી પડ્યું અને આંખના પલકારામાં ક્રેશ થયું. અહેવાલ મુજબ, ક્રેશ પછી લગભગ પાંચ વિસ્ફોટ થયા હતા, અને વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. અકસ્માતમાં વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું, અને અજિત પવાર સહિત પાંચેય લોકોના મોત થયા હતા. અજિત પવારના મૃતદેહને બારામતીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો , જ્યાં તેમના પરિવાર અને સમર્થકો પહોંચ્યા હતા.