Last Updated on by Sampurna Samachar
તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી
કોંગ્રેસને વધુ મજબુત કરવા પર ભાર મુકવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. ત્યારે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું મહત્વપૂર્ણ ચર્ચા ચાલી તે અંગે સચિન પાયલોટે જણાવ્યુ કે ગાંધી સરદારની ભૂમિ પર કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન થવા જઈ રહ્યુ છે અને હાલ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની વિસ્તારીત કાર્યસમિતિની બેઠક હતી.
જેમા કોંગ્રેસને જમીની સ્તરે વધુ મજબૂત કરવા માટે જિલ્લાધ્યક્ષોને પહેલા કરતા વધુ સશક્ત બનાવવામાં આવશે. જિલ્લાધ્યક્ષોને વધુ રાજનીતિક તાકાત આપવામાં આવશે, તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમને સશક્ત બનાવી, બ્લોક, મંડળ, ગામો અને બુથ સુધી પહોંચવામાં વધુ મદદ મળશે.
લોકોનો વિશ્વાસ સંપાદિત કરવાનું કામ કરશે
ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસને વધુ મજબુત કરવા પર ભાર મુકવામાં આવ્યો. કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ’ની ટેગલાઈન આપવામાં આવી છે ત્યારે ન્યાયપથ નામથી રિજોલ્યુશન લાવવામા આવશે. આ રિજોલ્યુશન અંગે હાલ તમામ નેતાઓ તેમના પ્રસ્તાવો અને વિચાર રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસ ૨૦૨૫ના વર્ષના સંગઠન વર્ષ તરીકે જોઈ રહી છે. ત્યારે આ વર્ષમાં સંગઠનની વિચારધારાને વ્યાપક બનાવવા અને સંગઠનને વધુ મજબૂત કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી દેશમાં દબાવ, ટકરાવ અને દમનની રાજનીતિ ચાલી રહી છે. વિપક્ષના અવાજને દબાવવાની રાજનીતિ ચાલી રહી છે. ભાજપ બંધારણીય સંસ્થાઓને નીતિગત રીતે ખોખલી કરવાનું કામ કરી રહી છે. ત્યારે તેનો વિરોધ કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં આ અંગે જનચેતના લાવવામાં આવશે. કોંગ્રેસના નાનાથી લઈને મોટા સહિત તમામ નેતાઓ લોકોની વચ્ચે જશે, માસ કોન્ટેક પ્રોગ્રામ કરવામાં આવશે. લોકોનો વિશ્વાસ સંપાદિત કરવાનું કામ કરશે.
સાથોસાથ આ અધિવેશન કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઊર્જાનો સંચાર કરશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સચિન પાયલોટે જણાવ્યુ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ મજબુત સ્થિતિમાં નથી તે વાસ્તવિક્તા છે પરંતુ જમીની સ્તરે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેને વોટમાં કન્વર્ટ કરવા અંગે પ્રયાસો મજબૂત કરવામાં આવશે. એ તમામ મતદાતાઓને કોંગ્રેસ સાથે જોડવા પડશે અને આ અધિવેશનના માધ્યમથી એ પ્રયાસોને વધુ તાકાત મળશે.