ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહીના નિર્દેશ આપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગરસિયાઓ પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી કેસમાં સુનાવણી વખતે કહ્યું કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચવાળો પાઉડર ચઢાવીને વેચાતી દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે.
ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચઢાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સરકારપક્ષ તરફથી સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના ૨૦૨૫ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ ૨૪ ડિસેમ્બરના ૨૦૨૪ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે.
સરકાર તરફથી આંકડા રજૂ કરતાં જણાવાયું કે, ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધી ગુનાઓને લઇ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં કુલ ૨૧૫૫ અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કુલ ૧૪૮ ફરિયાદો મળી, બે વર્ષમાં કુલ ૨૩૦૩ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં સૌથી વઘુ ૪૫૧થી વઘુ ફરિયાદો તો એકલા અમદાવાદમાં જ નોંધાઇ છે. જેની સામે ૧ જાન્યુઆરી ૨૦૨૩થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ૧૮૮૨ આરોપીઓ અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૨૪૩ આરોપીઓની ધરપકડ સાથે કુલ ૨૧૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એકલા અમદાવાદમાંથી જ ૩૭૧થી વઘુ આરોપીઓ પકડાયા છે.
જાહેરહિતની રિટમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, પોલીસ ઓથોરીટી અને સરકારના સત્તાવાળાઓ ચાઇનીઝ, નાયલોન દોરી અને તુક્કલ સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહી કરવામાં કેમ ઉણા ઉતર્યા છે..? કે જયારે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ તેના ચુકાદામા ચાઇનીઝ, નાયલોન દોરીની સાથે સાથે ગ્લાકોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવેલો છે ત્યારે ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહીના કોઇ નક્કર આંકડા રજૂ થયા નથી.