Last Updated on by Sampurna Samachar
બદલાતી લાઇફ સ્ટાઇલથી યુવાનોમાં કિડની કેન્સરનુ જોખમ વધારે
કિડનીના કેન્સરના કેસમાં ૧૫-૨૦ ટકાનો વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કિડનીના કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં ભારતમાંથી કિડનીના કેન્સરના ૧૭, ૪૮૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. કિડનીના કેન્સર સૌથી વધુ નોંધાયા હોય તેમાં ચીન ૭૩, ૩૫૬ સાથે મોખરે, અમેરિકા ૭૧૭૫૯ સાથે બીજા, રશિયા ૨૯૧૦૯ સાથે ત્રીજા જ્યારે ભારત ચોથા સ્થાને છે. ધુમ્રપાન, ક્રોનિક હાઈ બલ્ડપ્રેશર તેમજ લાંબો સમય પેઇનકિલર્સ લેવાથી કિડનીનું કેન્સર થવાનું જોખમ રહેલું છે.
કેન્સરના તમામ કેસમાં કિડનીના કેન્સરનું પ્રમાણ ૨-૩ ટકા જેટલું છે. જેમાં હવે ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રમાણે છેલ્લા એક દાયકામાં ભારતમાં કિડનીના કેન્સરના કેસમાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે. કિડનીના કેન્સરના કેસ થવાની સંભાવના મહિલાઓ કરતાં પુરુષોમાં બમણી રહેલી છે.
કિડની કેન્સરના ચાર તબક્કા હોય
સામાન્ય રીતે કિડનીનું કેન્સર કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પરંતુ ૭૦ વર્ષની ઉંમર બાદ કિડનીનું કેન્સર થવાનું સૌથી વધુ જોખમ છે. હવે બદલાતી જીવનશૈલીને પગલે યુવાનોમાં પણ કિડનીના કેન્સરના કેસમાં વધારો જોવા મળ્યો છે.
જાણકારોના મતે કિડનીનું કેન્સર થવા પાછળ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અલબત્ત, ધુમ્રપાન, ક્રોનિક હાઈ બ્લડપ્રેશર, મેદસ્વિતા, કિડની કેન્સરનો કૌટુંબિક ઈતિહાસ, લાંબા સમય સુધી પેઇનકિલર્સ લેવી, ટીબી જેવા કારણે કિડનીનું કેન્સર થઈ શકે છે. કિડની કેન્સરના ચાર તબક્કા હોય છે. જેમાં પ્રથમ તબક્કામાં સાત સેન્ટિમીટર કે તેનાથી નાની ગાંઠ દેખાય છે, બીજા તબક્કામાં સાત સેન્ટિમીટરથી વધુની ગાંઠ હોય છે, ત્રીજા તબક્કામાં ગાંઠ શીરાઓમાં વિસ્તરે છે. જ્યારે ચોથો તબક્કામાં શરીરના અન્ય ભાગ જેમ કે આંતરડા-ફેફસાં-સ્વાદુપિંડુમાં ફેલાઈ શકે છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શશાંક પંડયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯થી વર્ષ ૨૦૨૪ દરમિયાન કિડનીના કેન્સરના ૧૦૫૨ કેસ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નોંધાયા હતા. જેમાં ૭૪૨ પુરુષ અને ૩૧૦ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ૧૮૧ કેસ નોંધાયા તેમાં ૧૩૫ પુરુષ દર્દી હતા.