LCB અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડાના નડીયાદની નવરંગ સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદેયર ગેસ રિફિલિંગના કૌભાંડનો ખેડા જિલ્લા LCB એ પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પુરવઠા વિભાગની ટીમ પણ જોડાઈ અને આરોપી પાસેથી ૭૦થી વધુ ગેસની બોટલો જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, નવરંગ સોસાયટીના બી-૨૫ મકાનમાં ગિરીશ પટેલ નામનો યુવક ગેરકાયદેયસર રીતે ગેસ રિફિલિંગનો ધંધો ચલાવતો હતો. પોલીસને બાતમી મળતા જ એલસીબી અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટી માત્રામાં ગેસ બોટલો મળી આવી હતી.
પોલીસના દરોડા દરમિયાન પણ કેટલાક સ્થાનિક ગ્રાહકો ગેસ રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા. પોલીસે આ ગ્રાહકોના બોટલ અને વાહનો પણ જપ્ત કર્યા છે. પુરવઠા વિભાગે જપ્ત કરેલા ગેસના જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને LCB આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ કરશે. પોલીસ હવે આ ગેસની બોટલ ક્યાંથી લાવવામાં આવી હતા અને કોના નામે હતી તે અંગે તપાસ કરી રહી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, ખેડામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસે આવા કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ગ્રાહકોને છેતરવામાં આવી શકાય નહીં.