Last Updated on by Sampurna Samachar
ચોમાસુ સત્રના પહેલા દિવસે આટલો હંગામો યોગ્ય નથી
આટલા દિવસ છતાં આતંકવાદીઓ નથી પકડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોમાસુ સત્રની શરૂઆતમાં જ ગૃહમાં હોબાળો શરૂ થયો છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.
વિપક્ષના હોબાળા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છીએ. સર્વપક્ષીય બેઠકમાં દરેક પક્ષના નેતાઓએ કહ્યું છે કે ચર્ચા થવી જોઈએ. જો તેઓ આટલો હંગામો કરશે તો ચર્ચા કેવી રીતે થશે. ચોમાસુ સત્રના પહેલા દિવસે આટલો હંગામો યોગ્ય નથી.
આ દેશ માટે અપમાનજનક છે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મેં ૨૬૭ હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો ૨૨ એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે.
તેમના જ LG એ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહ્યું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે ૨૪ વાર કહ્યું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે. વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની માંગ પર, ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે એવો સંદેશ ન જવો જોઈએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માંગતી નથી.
સરકાર તેની ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે બન્યું તે આઝાદી પછી દેશમાં કોઈપણ ઓપરેશન દરમિયાન ક્યારેય બન્યું ન હતું.