બાંગ્લાદેશમાં પૂજારીની ધરપકડ બદલ પન્નુએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને વખાણ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોટા પાયે મહાકુંભના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહાકુંભના મેળામાં સાધુ-સંતો સહિત દેશ-વિદેશમાંથી કરોડો લોકો આવનાર છે. આ વખતે મહાકુંભનો મેળો ૧૩મી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે પ્રયાગરાજમાં કુંભના મેળામાં ૧૦ કરોડ શ્રદ્ધાળુઓના આવવાનો અંદાજ છે. જોકે, આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ કુંભના મેળાને નિશાન બનાવવાની ધમકી આપી છે.
આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી છે કે તે આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર ‘મહા કુંભ ૨૦૨૫’ને નિશાન બનાવશે. આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે આ ‘PM મોદીની હિન્દુત્વ વિચારધારા’ને પડકારવા માટે છે. તેણે ઈસ્કોન મંદિરના પૂજારીની ધરપકડ કરવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની પણ પ્રશંસા કરી હતી.
ગુરપતવંત સિંહ પન્નુએ એક નિવેદનમાં જણાવ્યું કે, SFJ કેનેડાને બાંગ્લાદેશના મોડલને અનુસરવા અને ઈન્ડો-કેનેડિયન હિન્દુત્વ સંગઠનો અને હિન્દુ મંદિરો પર લગામ લાગાવવાની અપીલ કરે છે. એટલું જ નહીં આતંકવાદી પન્નુએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ‘ટાર્ગેટ’ કરવા માટે ૨૫,૦૦૦ અમેરિકી ડોલરનું ઈનામ પણ રાખ્યું છે. આપને જણાવી દઈએ કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પન્નુ પર ગુનાહિત ષડયંત્ર, ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ વિવિધ ગુનાઓનો આરોપ લગાવ્યો છે. અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા ગુરપતવંત સિંહ પન્નુને જુલાઈ ૨૦૨૦માં ગૃહ મંત્રાલયે દેશદ્રોહ અને અલગતાવાદના આરોપમાં આતંકવાદી જાહેર કર્યો હતો.