Last Updated on by Sampurna Samachar
જિલ્લા સ્તરે ન્યાયાધીશો કે કર્મચારીઓ નહીં કરે AI નો ઉપયોગ
ચેટજીપીટી, ડીપસીક જેવા AI ટૂલ્સનો ઉપયોગ પણ વર્જીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં કેરળ પ્રથમ રાજ્ય એવુ બન્યું છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ને લઇને નીતિ ઘડવામાં આવી છે. જોકે આ નીતિ સરકાર દ્વારા નહીં પણ હાઇકોર્ટ દ્વારા ઘડવામાં આવી છે જે જિલ્લા સ્તરની કોર્ટોના જજો અને કર્મચારીઓ માટે લાગુ રહેશે.
હાઇકોર્ટના ર્નિણય મુજબ જજો ચુકાદા, તારણો, અવલોકન, આદેશોમાં ક્યાંય પણ AI નો ઉપયોગ નહીં કરી શકે ત્યાં માત્ર પોતાની બુદ્ધીનો જ ઉપયોગ કરવાનો રહેશે. ચેટજીપીટી, ડીપસીક જેવા AI ટૂલ્સનો ઉપયોગ પણ નહીં કરી શકાય, માત્ર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય AI ટૂલ્સ જ વાપરી શકાશે.
AI ના ઉપયોગને લઇને ગાઇડલાઇન જાહેર
કેરળ હાઇકોર્ટે AI ના ઉપયોગને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે, જિલ્લા સ્તરની ન્યાયપાલિકા અને તેના જજો , કર્મચારીઓ માટે જાહેર કરાયેલી આ ગાઇડલાઇનમાં જણાવાયું છે કે જજોએ કોઇ કેસના ર્નિણય સુધી પહોંચવા, આદેશ આપવા કે ચુકાદો આપવા એઆઇનો ઉપયોગ ના કરવો, હાઇકોર્ટ કે સુપ્રીમ દ્વારા નક્કી કરાયેલા AI ટૂલનો જ ઉપયોગ કરી શકાશે તે પણ મર્યાદિત હેતુ માટે. કોઇ પણ પરિસ્થિતિમાં AI નો ઉપયોગ ર્નિણય લેવા કે કાયદાકીય તર્કના વિકલ્પ તરીકે ના થવો જોઇએ તે સુનિશ્ચિત કરવા માટે આ પોલિસી જાહેર કરાઇ છે.
હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલી AI નીતિ મુજબ જો કોઇ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે અનુશાસનને લઇને કાર્યવાહી કરાશે. AI નો ઉપયોગ કરવામાં આવે તો તેવા સંજોગોમાં યોગ્ય તાલિમ લીધી હોવી જરૂરી છે. ન્યાયિક એકેડમી અથવા હાઇકોર્ટ દ્વારા તેની તાલિમ અપાશે. જ્યારે AI ની મદદથી કાયદાકીય દસ્તાવેજો કે લખાણનું ભાષાંતર કરવામાં આવે ત્યારે જજોએ પોતે અથવા માન્ય ટ્રાન્સ્લેટર દ્વારા તેનું વેરિફિકેશન થવું જરૂરી છે. જ્યારે માન્ય AI ટૂલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ માનવ સુપરવિઝન જરૂરી છે. AI ટૂલ્સના ઉપયોગનું નિયમિત ઓડિટ થવું જોઇએ.