કારની છત કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ૫ વિદ્યાર્થીઓના મોત થયા હતા. બસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ૫ લોકોના મોત થયા હતા, જ્યારે બસમાં સવાર લોકો પણ ઘાયલ થયા હતા. રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને બહાર કાઢવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બસ સાથે અથડાયા બાદ કાર કચડાઈ ગઈ હતી. આથી છત કાપીને મૃતદેહ બહાર કાઢવો પડ્યો હતો. કારમાં ૭ લોકો સવાર હતા, જેમાંથી ૫ના મોત થયા હતા અને ૨ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળના અલપ્પુઝામાં કાલાકોડ પાસે આ અકસ્માત થયો હતો. કાર કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની બસ સાથે અથડાઈ હતી. અકસ્માત કેમ અને કેવી રીતે થયો? પોલીસ હજુ સુધી આ વાત શોધી શકી નથી. પોલીસ ઘાયલોના નિવેદનની રાહ જાેઈ રહી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ અલપ્પુઝાની ટીડી મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. મૃતકોની ઓળખ લક્ષદ્વીપના રહેવાસી દેવનંદન, મુહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન, મોહમ્મદ જબ્બાર તરીકે થઈ છે. પોલીસને આશંકા છે કે અકસ્માત લપસી જવાને કારણે થયો છે. ફેંગલ વાવાઝોડાને કારણે કેરળમાં છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લપસણો રસ્તાઓ જોવા મળી રહ્યા છે.
કેરળ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે એક કાર અને બસ વચ્ચે ટક્કર થઈ છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી. પોલીસે તાત્કાલિક કટર મંગાવી કારને કાપીને તેમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે પ્રાથમિક તપાસમાં જ ૫ કાર સવારોને મૃત જાહેર કર્યા હતા. ઇજાગ્રસ્ત બે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા લોકો પણ ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ અકસ્માત સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.