Last Updated on by Sampurna Samachar
ભાજપના પ્રદેશ પ્રમુખને ગોપાલ ઈટાલિયાની સલાહ
વિસાવદરની જીત બાદ ભાજપ-કોંગ્રેસ એક થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના વધતા જતાં પ્રભાવ અને ખાસ કરીને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના કહેવાતા નેતાઓએ આપ વિરુદ્ધ કરેલા નિવેદનો પર આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે બંને પક્ષોના નેતાઓ પર “લવારીએ ચઢેલા” હોવાનો વળતો પ્રહાર કર્યો છે.

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદરમાં આપની ભવ્ય જીતથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો બોખલાઈ ગયા છે અને જાણે કે બંને એક થઈ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તેમણે કહ્યું કે, AAP નો વિરોધ કરવાને બદલે આ નેતાઓએ જનતાના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. ભાજપના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધતા ગોપાલ ઈટાલિયાએ તેમને આપનો વિરોધ કરવાને બદલે જનતાના હિતમાં કામ કરવા જણાવ્યું છે.
ખેડૂતોના વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા
તેમણે કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ બંધ કરાવો. રાજ્યના ખરાબ રોડ-રસ્તાઓની હાલત સુધારો અને જનતા માટે નક્કર અને જનકલ્યાણના કામો કરો. કોંગ્રેસના નેતાઓને આપનો વિરોધ બંધ કરવાની સલાહ આપતા ઈટાલિયાએ તેમને તેમના શાસનવાળા રાજ્યોમાં ધ્યાન આપવા કહ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આપનો વિરોધ કરવાને બદલે જનતાને એ જણાવવું જોઈએ કે જે રાજ્યોમાં તેમની સરકારો છે, ત્યાં તેઓ જનતા માટે શું કામ કરી રહ્યા છે.
જનતાના પ્રશ્નો ઉઠાવતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વારંવાર મીટિંગ પર મીટિંગ કરી રહી છે, પરંતુ હજી સુધી એ નક્કી નથી કરી શકી કે ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર આપવામાં આવશે. આ દર્શાવે છે કે સરકાર જનતાના પ્રશ્નો પ્રત્યે કેટલી ગંભીર છે.
અંતમાં, ગોપાલ ઈટાલિયાએ ગુજરાતના વડીલો અને યુવાનોને અપીલ કરી હતી કે “એક થઈ ગયેલા ભાજપ અને કોંગ્રેસ”ની ગતિવિધિઓ પર નજર રાખે. તેમણે સૂચવ્યું કે બંને પક્ષો હવે માત્ર આપને રોકવા માટે એક થઈ ગયા હોય તેવું જણાય છે, જેનાથી જનતાના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટી રહ્યું છે.