Last Updated on by Sampurna Samachar
હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં જન જીવન અસ્ત વ્યસ્ત
ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા ૪૦ યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે ૪૦ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત SDRF ના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. SDRF ની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઇડ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે ૧- વાગ્યે સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. યાત્રા ફરી શરુ થઈ હતી. જેમાં ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટના બની હતી.
તારાજીથી અંદાજે રૂ. ૪૦, ૭૦૨.૪૩ લાખનું નુકસાન
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, ૨૦ જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ ૬૩ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૫૬ લોકો ગુમ છે. ૧૦૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે, ૮૪ પશુઓ મૃત્યુ પામ્યા છે અને ૨૨૩ ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ ૧૩ લોકોના મોત થયા છે. જ્યારે ૨૯ લોકો ગુમ છે.
થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે ૧૦૦થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ૯૧૮ વીજ ટ્રાન્સફોર્મર, ૬૮૩ પેયજળ સુવિધાઓ ઠપ થઈ છે. વીજ અને પાણી સેવા ખોટવાતાં સ્થાનિકો હાલાકીમાં મૂકાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીના કારણે અંદાજે રૂ. ૪૦, ૭૦૨.૪૩ લાખનું નુકસાન થયું છે.