Last Updated on by Sampurna Samachar
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ છેડાયેલું આ આંદોલન અટકવાનું નામ લઈ રહ્યુ નથી
ભારતીય પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની ટોચની એરલાઈન એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલનને ધ્યાનમાં લેતાં દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટ કેન્સલ કરી છે. ભારત સરકારે પણ નેપાળમાં રહેતાં ભારતીયો તેમજ ભારતીય પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એર ઈન્ડિયાએ કાઠમંડુની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં નિવેદન આપ્યું છે કે, દિલ્હીથી કાઠમંડુ જતી AI ૨૨૩૧/૨૨૩૨, AI ૨૨૧૯/૨૨૨૦, AI ૨૧૭/૨૧૮ અને AI ૨૧૧/૨૧૨ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા ખાતે અમે અમારા પેસેન્જર અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાધાન્ય આપીએ છીએ. પરિસ્થિતિનું નજીકથી નીરિક્ષણ કરી રહ્યા છીએ.
આંદોલનમાં ૨૦ યુવાનના મોત
વધુ વિગતો અને માહિતી રજૂ કરતાં રહીશું. ઈન્ડિગોએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ મારફત પોતાન કાઠમંડુથી દિલ્હી અને દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું કે, પેસેન્જરને ફ્લાઈટનો વિકલ્પ તેમજ રિફંડ વેબસાઈટ પરથી પાછુ આપવામાં આવશે. અમે ગ્રાહકોને સત્તાવાર માધ્યમો સાથે જોડાયેલા રહેવા અપીલ કરીએ છીએ.
પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળની કોઈ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે નહીં.ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. નેપાળમાં રહેતાં ભારતીયોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સ્થાનિક અધિકારીઓના આદેશનું પાલન કરવા અપીલ કરી છે.
નેપાળમાં કરફ્યુ વચ્ચે નેપાળમાં રહેતા અને નેપાળ ફરવા ગયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. નેપાળમાં કોઈપણ પ્રકારની મદદ માટે ભારતીયો કાઠમંડુમાં સ્થિત ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધી શકે છે. જેના હેલ્પલાઈન નંબર ૯૭૭-૯૮૦ ૮૬૦ ૨૮૮૧ અને ૯૭૭- ૯૮૧ ૦૩૨ ૬૧૩૪ છે. આ નંબર પર માત્ર વોટ્સએપ કોલિંગ જ થઈ શકશે.
નેપાળમાં Gen-Z આંદોલને સરકાર ઉથલાવી દીધી છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી અંતે રાજીનામું આપવા મજબૂર બન્યા હતા. ઓલી સરકારના નવથી વધુ મંત્રીઓએ ધડાધડ રાજીનામા જાહેર કર્યા હતા. જોકે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ છેડાયેલું આ આંદોલન અટકવાનું નામ લઈ રહ્યુ નથી. આંદોલનકારીઓએ સંસદને આગ ચાંપી હતી.
ડેપ્યુટી પીએમ સહિત અનેક મંત્રીઓને દોડાવી-દોડાવીને માર્યા હતા. ઉલ્લેખનીય છે, નેપાળની આર્થિક સ્થિતિ ભૂકંપની દુર્ઘટના બાદ સતત વણસી છે. નેપાળ વાસીઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબીનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ રાજકારણીઓ ઠાઠમાઠનું જીવન જીવી રહ્યા હોવાથી યુવાનોમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી હતી. આ આંદોલનમાં ૨૦ યુવાનના મોત થયા હતા. જ્યારે ૩૦૦ લોકો ઘાયલ થયા હતા.