Last Updated on by Sampurna Samachar
ગુલમર્ગમાં રમઝાન માસમાં ફેશન શૉ યોજાતા હોબાળો
ગૃહમાં લગભગ ૨૫ મિનિટ સુધી હોબાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુલમર્ગમાં તાજેતરમાં યોજાયેલા એક ફેશન શૉ ના કારણે હોબાળો થયો હતો. આ શૉ રમઝાન માસમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેના પર ઘણા રાજકીય પક્ષો અને ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ કાર્યક્રમને અશ્લીલ ગણાવતા કહ્યું કે, તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સ , પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે રમઝાન દરમિયાન આવો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ શકે. તેમણે આ મામલાની તપાસની માંગ કરી હતી.
સમગ્ર વિવાદને બિનજરૂરી ગણાવ્યો
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જવાબ આપતા કહ્યું કે, સરકારે પહેલા જ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ એક ખાનગી કાર્યક્રમ હતો અને તેના માટે સરકાર પાસેથી કોઈ પરવાનગી લેવામાં નહોતી આવી.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ગુલમર્ગમાં આયોજિત આ ખાનગી કાર્યક્રમથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પ્રકારના કાર્યક્રમો ક્યારેય ન થવા જોઈએ. સરકારને આ ફેશન શો સાથે કોઈ લેવાદેવા નથી. આયોજકોએ અમારી પાસેથી કોઈ પરવાનગી નહોતી લીધી. તે એક સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમ હતો, જે હોટલની અંદર યોજાયો હતો.
તેમણે કહ્યું કે, જો આ ઘટનામાં કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તો મામલો પોલીસને સોંપી દેવો જોઈએ. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર વિવાદને બિનજરૂરી ગણાવ્યો અને NC , PDP અને કેટલાક ધાર્મિક નેતાઓ પર નિશાન સાધ્યું.
ભાજપના ધારાસભ્ય રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું કે, કાશ્મીર ઘાટીમાં કટ્ટરતાની આગ ભડકાવવામાં આવી રહી છે. આપણે તમામ વિચારો અને દ્રષ્ટિકોણ માટે સ્વીકૃતિ વિકસિત કરવાની જરૂર છે. ભાજપના ધારાસભ્યના આ નિવેદન બાદ એનસી-કોંગ્રેસ, પીડીપી અને ભાજપ વચ્ચે તીખી દલીલ શરૂ થઈ ગઈ છે. ગૃહમાં લગભગ ૨૫ મિનિટ સુધી હોબાળો ચાલતો રહ્યો. વિધાનસભા અધ્યક્ષ અબ્દુલ રહીમ રાઠરે ઘણી વખત સભ્યોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી અને કહ્યું કે, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે તેથી આ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરી શકાય.
૭ માર્ચના રોજ પ્રસિદ્ધ ડિઝાઈનર બ્રાન્ડએ પોતાની ૧૫મી એનિવર્સરીના અવસર પર ગુલમર્ગમાં એક ફેશન શૉ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેની સ્કી વિયર કલેક્શનને પ્રદર્શિત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ ફેશન શૉના વીડિયો અને તસવીરો વાયરલ થતા જ લોકોએ રમઝાન દરમિયાન આ પ્રકારના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.