Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં કાનૂની સ્થિતિ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારનો
OLA , UBER , RAPIDO એ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક (KARNATAK) હાઈકોર્ટે એપ આધારિત રાઈડ-હેલિંગ સેવાઓને બાઇક ટેક્સી સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાઇક ટેક્સી સેવાઓને તેમની કામગીરી સંપૂર્ણપણે બંધ કરવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. પ્લેટફોર્મ અધિકારીઓ કહે છે કે તેઓ ર્નિણય સામે અપીલ કરવાનું વિચારી રહ્યા છે.
ચુકાદો આપતાં, કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીએમ શ્યામ પ્રસાદે જણાવ્યું હતું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૯૩ હેઠળ નિયમો ના બનાવે ત્યાં સુધી બાઇક ટેક્સીઓ ચલાવી શકાતી નથી. રેપિડો, ઉબેર ઇન્ડિયા અને ઓલા દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આ આદેશ આવ્યો હતો. જેમાં સરકારને એગ્રીગેટર લાઇસન્સ ઈસ્યું કરવા અને બાઇક ટેક્સીઓને પરિવહન સેવાઓ તરીકે નોંધણી કરાવવાની માંગ કરવામાં આવી હતી.
છ અઠવાડિયામાં તેમની કામગીરી બંધ કરવાનો આદેશ
જુલાઈ ૨૦૨૧ માં, કર્ણાટક સરકારે બાઇક ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો. આની વિરુદ્ધ રેપિડો, ઉબેર અને ઓલાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સરકારને બાઇક ટેક્સી સેવાઓ પૂરી પાડતા પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી કરવાથી અસ્થાયી રૂપે રોકી દીધી હતી.
ન્યાયાધીશ શ્યામ પ્રસાદે બાઇક ટેક્સી સેવાઓ પૂરી પાડતા પ્લેટફોર્મ્સને છ અઠવાડિયામાં તેમની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત, તેમણે રાજ્ય સરકારને આ સમય મર્યાદા પછી તમામ બાઇક ટેક્સી સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો. જ્યારે, કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયનું સ્વાગત કરતા, પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, સરકારને યોગ્ય નિયમો બનાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે એપ-આધારિત પ્લેટફોર્મ કોઈપણ નિયમો વિના કાર્યરત હતા, જેના કારણે આ સેવાઓનો ઉપયોગ કરતા લોકોની સલામતી અંગે ચિંતાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે તેઓ ર્નિણયનો અભ્યાસ કર્યા પછી પ્રતિક્રિયા આપશે. તે જ સમયે, એક રાઇડ-હેલિંગ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું – અમે આ આદેશ સામે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું.
કેન્દ્ર સરકારે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે મોટરસાઇકલ કોન્ટ્રાક્ટ કેરેજની વ્યાખ્યા હેઠળ આવે છે, જે મોટર વાહન અધિનિયમ હેઠળ માન્ય છે. કેન્દ્ર સરકાર બાઇક ટેક્સીને મંજૂરી આપે છે, પરંતુ પરિવહન રાજ્યનો વિષય છે, તેથી રાજ્ય સરકારને તેની કાનૂની સ્થિતિ નક્કી કરવાનો અધિકાર છે.