Last Updated on by Sampurna Samachar
ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ખોટો દાવો કર્યો
ભીડને કાબુમાં રાખવા SOP નુ પાલન કર્યુ તેમ કોર્ટે કર્યો સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ૨૦૨૫ની જીતની ઉજવણી દરમિયાન સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. કર્ણાટક સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવવા શહેરના પોલીસ સચિવ, DCP અને SP સહિત ૧૦૦૦ થી વધુ પોલીસ તૈનાત હતાં. પરંતુ ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે, ભીડને કાબૂમાં લેવા ૫૦૦૦ પોલીસકર્મી તૈનાત હતાં.

કર્ણાટક હાઈકોર્ટે એક્ટિંગ ચીફ જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોષીની ડિવિઝન બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે કંઈ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરી હતી? આ નાસભાગ પાછળનું કારણ જણાવતો અને દુર્ઘટના ન સર્જાય તે માટે કેવી તકેદારીઓ રાખવા અને સામનો કરવાની તૈયારીઓ સહિતનો રિપોર્ટ રજૂ કરો. આ રિપોર્ટ ૧૫ દિવસની અંદર રજૂ કરવા આદેશ છે.
આગામી સુનાવણી ૧૦ જૂનના રોજ થશે
કર્ણાટક સરકારે હાઈકોર્ટ (HIGHCOURT) માં જણાવ્યું હતું કે, બેંગ્લુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા ૩૦,૦૦૦ લોકોની હતી. પરંતુ ૨.૫ લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે ૧૪૦૦ જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતાં. પરંતુ અચાનક વધુ પડતી ભીડ ઉમટી પડતાં નિયંત્રણ ગુમાવ્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરી રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી હોવાની અફવા વહેતી થઈ હતી. જેના લીધે ૨.૫ લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. આ દુર્ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. મામલાની આગામી સુનાવણી ૧૦ જૂનના રોજ થશે.

અરજદારના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, RCB ના ખેલાડીઓને સન્માનિત કરવાનો ર્નિણય કોના દ્વારા લેવામાં આવ્યો હતો. તેઓ દેશ માટે રમ્યા ન હતાં, તો આ ખેલાડીઓને સન્માનિત કરવાની શું જરૂર છે. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાના કેવા પગલાં લેવામાં આવ્યા હતાં. આ ગુનાહિત બેદરકારી છે.
RCB ના સન્માન સમારોહમાં ખેલાડીઓની ઝલક નિહાળવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જેના લીધે સ્ટેડિયમની બહાર અચાનક નાસભાગ થતાં ૧૧ ના મોત થયા હતા. ૩૩ લોકો ઘાયલ થયા હતાં. રાજ્ય સરકારે તમામ ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારની જવાબદારી લીધી છે.
હાઈકોર્ટે તપાસમાં સામેલ થવા માટે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ, RCB અને પોલીસ કમિશનર બી દયાનંદને નોટિસ ફટકારવાનો આદેશ પણ આપ્યો છે. મેજિસ્ટ્રેટ તપાસનું નેતૃત્વ કરી રહેલા બેંગ્લુરૂ શહેરી નાયબ કમિશનર જી જગદીશે જણાવ્યું હતું કે, ૧૫ દિવસની અંદર સમગ્ર દુર્ઘટનાની તપાસ પૂર્ણ કર્યા બાદ આ તમામને નોટિસ ફટકારવામાં આવશે.