Last Updated on by Sampurna Samachar
સંજય કપૂરની મિલકતનો વિવાદ ઘેરાયો
કેસની આગામી સુનાવણી ૯ ઓક્ટોબરેના થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના વસિયતનામા મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. ૩૦ હજાર કરોડની સંપત્તિમાં ૨૦-૨૦% હિસ્સો માંગ્યો છે. આ માટે સમાયરા કપૂર અને કિયાન કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે, જેમાં તેમણે ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા વસિયતનામાને શંકાસ્પદ, બનાવટી અને નકલી હોવાનો દાવો કર્યો છે. જેથી તે આખી સંપત્તિ પર કબજો કરી શકે.
આ મામલે કોર્ટે પ્રિયા કપૂરના પક્ષને સંજય કપૂરની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી ૯ ઓક્ટોબરના રોજ થવાની છે. તેમજ સંપત્તિ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોર્ટ સંપત્તિના વિભાજન પર રોક લગાવી શકે છે.
હવે કેમ જાગ્યો કરિશ્માનો પ્રેમ ?
બીજી તરફ, પ્રિયા કપૂરના વકીલે કોર્ટમાં કહ્યું કે, સંજય કપૂરના મૃત્યુ સમયે પ્રિયા કાયદેસર રીતે તેમની પત્ની હતી. તો પછી કરિશ્માના આ પ્રેમ અને નિકટતાનો દાવો ત્યારે ક્યાં હતો, જ્યારે કરિશ્માએ સુપ્રીમ કોર્ટ સુધી છૂટાછેડાની લાંબી કાયદાકીય લડાઈ લડી હતી?
વકીલે કોર્ટમાં વધુમાં જણાવ્યું કે, સંજય કપૂરે એક ટ્રસ્ટ પણ બનાવ્યું હતું. કેસ દાખલ થવાના પાંચ દિવસ પહેલા, ટ્રસ્ટના દસ્તાવેજો મુજબ ૧૯૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ બાળકોના નામે કરવામાં આવી હતી. વાદી પક્ષે કોર્ટને જણાવવું જોઈતું હતું કે કરિશ્મા સાથેના છૂટાછેડાની કાનૂની કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ થઈ હતી.
આ ઉપરાંત પ્રિયા કપૂરનું કહેવું છે કે, સંજય મારા દિવંગત પતિ છે. હું તેમની વિધવા છું. હું તેમની અંતિમ કાયદેસરની પત્ની હતી, ત્યારે તે ક્યાં હતી? તારા પતિ તો તને ઘણા વર્ષો પહેલા છોડીને જતા રહ્યા હતા.
કરિશ્માના વકીલે કોર્ટનું ધ્યાન કપૂરના મૃત્યુ પછીના ઘટનાક્રમ પર દોર્યું. તેમણે જણાવ્યું કે, પ્રિયા કપૂર તરફથી પહેલા તેમના પક્ષકારને કહેવામાં આવ્યું હતું કે કોઈ વસિયત નથી. અમુક સંપત્તિ એક ટ્રસ્ટ પાસે જમા છે. પછી થોડા સમય બાદ, પૂર્વ પત્ની (કરિશ્મા) અને હાલની પત્ની (પ્રિયા કપૂર) વચ્ચે બેઠકો અને વાતચીતમાં એવો ર્નિણય લેવાયો કે ટ્રસ્ટના નિયમો પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં એક મીટિંગ યોજવામાં આવે.