Last Updated on by Sampurna Samachar
અભિનેત્રીના વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને લીધે DRI ની હતી નજર
દુબઇથી પરત ફરતી વખતે થઇ ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સોનાની દાણચોરી પર મોટી કાયર્વાહી કરી છે. આ દરમિયાન, કન્નડ અભિનેત્રી રાન્યા રાવની કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૪.૮ કિલો સોનું જપ્ત કર્યા પછી ધરપકડ કરી હતી. રાન્યા વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે DRI તેના પર નજર રાખી રહ્યું હતું. ૩ માર્ચની રાત્રે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ આવી હતી.
DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે, અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું શરીર પર પહેર્યું હતું અને તેના કપડાંમાં સોનાની લગડીઓ પણ છુપાવી હતી. જણાવી દઈએ કે, રાન્યા IPS રામચંદ્ર રાવની પુત્રી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના DGP હાઉસિંગ કોર્પોરેશન તરીકે ફરજ બજાવી રહ્યા છે. DRI ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, શું રાન્યાને સોનાની દાણચોરીમાં પોલીસ કે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી કોઈ મદદ મળી રહી હતી.
રાન્યા રાવ પોતાને DGP ની પુત્રી તરીકે ઓળખાવતી
DRI ના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાન્યા રાવ પોતાને DGP ની પુત્રી તરીકે ઓળખાવતી હતી અને સ્થાનિક પોલીસ કમર્ચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી હતી. DRI હવે તપાસ કરી રહી છે કે, શું આ પોલીસ કમર્ચારીઓની દાણચોરીના નેટવકર્માં કોઈ સંડોવણી હતી કે, અજાણતાં તેનો ઉપયોગ થઈ રહ્યો હતો. રાન્યા કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ માનિક્ય માં તેની ભૂમિકા માટે જાણીતી છે. તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
DRI એ નોંધ્યું છે કે, રાન્યા છેલ્લા ૧૫ દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી. આનાથી એજન્સીને શંકા થઈ હતી. આથી, DRI એ અભિનેત્રીની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. એજન્સીને ગુપ્ત માહિતી મળી હતી કે, તે દુબઈથી બેંગલુરુ આવી રહી છે અને તેની સાથે મોટી માત્રામાં સોનું લઈને જઈ રહી છે. આ ગુપ્ત માહિતીના આધારે, એજન્સીએ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચતા અટકાવી અને તેની તપાસ કરી, અને તેની પાસેથી ૧૪.૮ કિલો સોનું જપ્ત કર્યું હતું. આ સોનાની બજાર કિંમત લગભગ ૧૨ કરોડ રૂપિયા છે.
એવું પણ કહેવાય છે કે, તેણે પોતાના જેકેટમાં સોનું છુપાવ્યું હતું. રાન્યાની ધરપકડ બાદ, તેને વધુ પૂછપરછ માટે બેંગલુરુમાં DRI મુખ્યાલય લઈ જવામાં આવી હતી. આ બાદ, તેને બેંગલુરુ કોટર્માં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે અભિનેત્રીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. DRI ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, શું તે એકલી કામ કરતી હતી કે, દુબઈ અને ભારત વચ્ચે કાર્યરત મોટા સોનાની દાણચોરીના નેટવકના ભાગ હતી.