Last Updated on by Sampurna Samachar
દારૂના દૂષણના કારણે એક જ મહિનામાં ૩ યુવાનોના ભોગ
ગામમાં ‘સંપૂર્ણ દારૂબંધી‘નો મહત્ત્વનો ર્નિણય લેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કલોરાણા ગામ દારૂ અને દારૂડિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. છેલ્લા એક જ મહિનામાં દારૂના કારણે ત્રણ આશાસ્પદ યુવાનોના અવસાન થતાં ગ્રામજનોમાં ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ડામવા માટે ગામના વડીલો, મહિલાઓ અને યુવાનોએ એકત્રિત થઈને ગામમાં ‘સંપૂર્ણ દારૂબંધી‘નો મહત્ત્વનો ર્નિણય લીધો છે.

મળતી માહિતી અનુસાર, કલોરાણા ગામમાં દારૂના લતના કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા એક મહિનામાં ત્રણ યુવાનોના મૃત્યુ થતાં હતા, જેના કારમે મહિલાઓ વિધવા થઈ રહી છે અને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હસતા-ખેલતા પરિવારો પાયમાલ થઈ રહ્યા હોવાથી ગ્રામજનોએ હવે ‘આર યા પાર‘ની લડત શરૂ કરી છે.
પોલીસની ઢીલી કામગીરી બેફામ દારૂ વેચાણનુ કારણ
ગામના ચોકમાં આવેલા બાપા સીતારામના ઓટા પાસે આખું ગામ એકઠું થયું હતું અને સર્વાનુમતે મહત્ત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં ગામમાં આજથી કોઈએ દારૂ પીવો નહીં અને કોઈએ દારૂ વેચવો નહીં. જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવશે, તો તેની સામે ગ્રામજનો પોતે કડક કાર્યવાહી કરશે. વ્યસન ન છોડનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.
ગામની મહિલાઓએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, ઘરમાં પુરુષો કશું કામ કરતા નથી. મહિલાઓ પેટનો ખાડો પૂરવા અને બાળકોના ભવિષ્ય માટે દિવસભર મજૂરી કરે છે, પરંતુ દારૂની લત ધરાવતા પુરુષો મજૂરીના પૈસા પણ લૂંટી જાય છે. જાે પૈસા ન આપે તો મારપીટ અને અત્યાચાર કરવામાં આવે છે, જેના કારણે ઘરકંકાસ ચરમસીમાએ પહોંચ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ અમરેલી એસપી (જીઁ) અને બાબરા પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે. હવે જ્યારે આખું ગામ એક થયું છે, ત્યારે સરકાર અને પોલીસ પાસે આશા રાખવામાં આવી રહી છે કે કાયમી ધોરણે દારૂબંધીનો અમલ કરવામાં આવે. કલોરાણા ગામના આ પગલાએ અન્ય ગામો માટે પણ એક મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો તંત્ર નિષ્ફળ જાય તો જનશક્તિએ જ જાગૃત થવું પડે છે.