Last Updated on by Sampurna Samachar
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મોખાસણ ગામે રતનજી છનાજી ઠાકોરની લોખંડના સળિયા અને છરીના ઘા મારી હત્યા થઇ હોવાના મામલે સનસનાટી મચી ગઇ હતી. બનાવ અંગે મૃતકના પુત્ર અજય રતનજી ઠાકોરે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે મોખાસણ ગામના બે સગા ભાઇઓના નામ જણાવ્યા હતાં.
ધોળા દિવસે થયેલી હત્યાના પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. જેથી આરોપીઓને ઝડપી લેવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સહિતના અધિકારીઓએ તાકિદ કરતા ગાંધીનગર એલસીબી શાખા-૧ અને-૨, એસઓજી તેમજ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઇ હતી.
આ ટીમોએ આરોપીઓના મોબાઇલ નંબર, ગુનાની જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેઝ, તેમજ હત્યાના સ્થળની આસપાસના રહીશોની પુછપરછ કરી આરોપીઓનુ પગેરુ મેળવી ગુનામાં વપરાયેલા હથિયાર સાથે ગણતરીના કલાકોમાં સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર (ઉં-૨૭) અને જયેશજી અમરાજી ઠાકોર (ઉં-૨૩, બન્ને રહે-માધુપુરા, મોખાસણ ગામ, તાલુકો-કલોલ)નેઝડપી પાડ્યા હતાં.
પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યુ હતું કે રતનજી છનાજી ઠાકોર મોખાસણ ગામે નવા બનતા એક મકાનમાં કડિયાકામ કરતા હતા. તે દરમિયાન બપોરના સુમારે બે આરોપીઓ સંજય અને જયેશજી ત્યાં ધસી ગયા હતા અને આડા સંબંધની અદાવત રાખી બન્ને જણાએ રતનજી ઉપર લોખંડના સળિયા લઇ તૂટી પડ્યા હતાં એક આરોપીએ રતનજીના પેટમા છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી બન્ને નાસી ગયા હતાં.