Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં લેવાયો નિર્ણય
બોર્ડ મિટિંગમાં કુલ ૧૧ પ્રસ્તાવો રજૂ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં દિલ્હી હાઈકોર્ટના વિવાદિત જજ યશવંત વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર મામલે સહમતિ દર્શાવવામાં આવી છે. યશવંત વર્મા (YASAVANT VERMA) હાલ તેમના ઘરની બહારથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતાં વિવાદોમાં છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જારી નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ વર્માની બદલીનો ર્નિણય કોલેજિયમની પાછલી બેઠકમાં જ લેવાયો હતો. આ ર્નિણય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આગામી એક-બે દિવસમાં સરકાર આ મામલે અંતિમ ર્નિણય લેશે. જોકે, અલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને આ ર્નિણયનો વિરોધ નોંધાવ્યો છે.
જસ્ટિસ વર્માને ન્યાયિક કામગીરીમાંથી દૂર કરાયા
દિલ્હી હાઈકોર્ટે ઘરમાંથી મળી આવેલી બેનામી રોકડના ઘટસ્ફોટ બાદ જસ્ટિસ વર્માને ન્યાયિક કામગીરીમાંથી દૂર કરાયા હતાં. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં તેમની બદલીનો ર્નિણય લેવાઈ ચૂક્યો હોવાથી તેમને વિવાદો વચ્ચે અલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે.
બીજી તરફ અલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા પર મૂકાયેલા ગંભીર આરોપોના સંદર્ભમાં મહાભિયોગની માંગ કરી હતી. મહાભિયોગ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા કાયદાકીય સંસ્થા અથવા અન્ય કાયદેસર રીતે રચાયેલ ટ્રિબ્યુનલના જાહેર અધિકારી સામે ગેરવર્તણૂક અને આરોપો વિરૂદ્ધ તપાસ અને કાર્યવાહી હાથ ધરાય છે. રાજકીય અને કાનૂની બંને ઘટકોને સમાવિષ્ટ કરતી તપાસ પ્રક્રિયા છે.
અલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનની જનરલ બોર્ડ મિટિંગમાં કુલ ૧૧ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક પ્રસ્તાવમાં જસ્ટિસ વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી અટકાવવાની માંગ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી શકાય નહીં.
બાર એસોસિએશને જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મૂકાયેલા આરોપો પર CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. તેમજ જો આવશ્યક હોય તો જસ્ટિસ વર્માને સીજેઆઈની મંજૂરી સાથે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા પણ ભલામણ કરાઈ છે.
વધુમાં એસોસિએશને સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ પ્રક્રિયાને અસ્વીકાર્ય ગણાવી છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલી દલીલોને ફગાવતાં બાર એસોસિએશને અંકલ જજ સિન્ડ્રોમનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે, જસ્ટિસ યશવંત વર્મા શરૂઆતથી જ પોતાના ઘરેથી રોકડ મળી આવી હોવાના આરોપોને ફગાવતા આવ્યા છે.