Last Updated on by Sampurna Samachar
ઓક્ટોબર ૨૦૩૧મા CJI બની શકે
કાયદા મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ આલોક અરાધે અને પટના હાઈકોર્ટના જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ બની ગયા છે. કેન્દ્ર સરકારે બુધવારે બંનેની નિમણૂંકની નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટની કોલેજિયમે બંને જજના પ્રમોશનની ભલામણ કરી હતી. તેમાં અમદાવાદમાં જન્મેલા જસ્ટિસ પંચોલી ઓક્ટોબર ૨૦૩૧મા સીજેઆઈ બની શકે છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે એક્સ પર લખ્યું ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, ન્યાયાધીશ આલોક આરાધે, મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટ અને ન્યાયાધીશ વિપુલ મનુભાઈ પંચોલીને, મુખ્ય ન્યાયાધીશ, પટણા હાઈકોર્ટ, ને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરે છે.
૨૦૦૭મા તેમની નિમણૂંક વરિષ્ઠ વકીલ તરીકે થઈ
જસ્ટિસ વિપુલ પંચોલીનો જન્મ ૨૮ મે ૧૯૬૮ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીના અમદાવાદ સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સાયન્સ (ઇલેક્ટ્રોનિક્સ) માં સ્નાતકની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીના અમદાવાદ સ્થિત સર એલ.એ. શાહ લો કોલેજમાંથી કોમર્શિયલ ગ્રુપમાં કાયદામાં માસ્ટર ડિગ્રી મેળવી.
સપ્ટેમ્બર ૧૯૯૧ માં તેઓ બારમાં આવ્યા અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, તેમને ગુજરાત હાઇકોર્ટમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને માર્ચ ૨૦૦૬ સુધી સાત વર્ષ સુધી આ પદ પર સેવા આપી. પટણા હાઇકોર્ટની વેબસાઇટ અનુસાર, તેમણે ૨૪ જુલાઈ, ૨૦૨૩ ના રોજ પટણા હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને ૨૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ પટણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.
જસ્ટિસ આલોક અરાધેનો જન્મ ૧૩ એપ્રિલ ૧૯૬૪ના થયો હતો. તેઓ અત્યારે બોમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે. આ પહેલા તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તો કર્ણાટક હાઈકોર્ટ, જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પણ જસ્ટિસ તરીકે કામ કર્યું છે. તેમનો જન્મ રાયપુર (તે સમયે મધ્યપ્રદેશ) માં ૧૯૬૪મા થયો હતો. બીએસસી અને એલએલબી કર્યા બાદ તેમણે ૧૯૮૮મા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ સિવિલ, બંધારણીય, મધ્યસ્તા અને કંપની મામલામાં નિષ્ણાંત છે. બાદમાં ૨૦૦૭મા તેમની નિમણૂંક વરિષ્ઠ વકીલ તરીકે થઈ હતી.