‘મને સૌથી વધુ આનંદ આપે છે તે છે યુવાનો સાથે વાતચીત’
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ પરથી નિવૃત્ત થઈ ગયા છે. હવે તે નિવૃત્તિનો સમય પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવા અને અંગત કામ કરવા જેવી બાબતોમાં વિતાવી રહ્યા છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે પણ વાત કરી હતી. ખાસ વાત એ છે કે, જ્યારે તેમને રાજનીતિમાં પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ભૂતપૂર્વ જસ્ટિસ ચંદ્રચુડને પૂછવામાં આવ્યું કે, તેમની ભવિષ્યની યોજનાઓ શું છે. શું તમે તમારા શોખને અનુસરશો અથવા તમે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાનું વિચારી રહ્યાં છો? જેના પર તેમણે કહ્યું કે, ‘મારી પાસે મારી બકેટ લિસ્ટ છેપ’
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, “મારી પાસે મારી બકેટ લિસ્ટ છે. જેમાં સંગીતનાં સાધનો શીખવાનો સમાવેશ થાય છે, જે હવે શરૂ થઈ ગયું છે. હું પિયાનો શીખું છું. આ છેલ્લા ૨૪ વર્ષથી મારી બકેટ લિસ્ટનો એક ભાગ છે.” જસ્ટિસ ચંદ્રચુડે એક પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો જે તેઓ હાલમાં વાંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘મને વાંચન ગમે છે. હું જજ હતો ત્યારે દિવસના અંતે અડધો કલાક અભ્યાસ કરતો હતો. હવે મને ગમે ત્યારે પુસ્તક ઉપાડવું અને વાંચવું ગમે છે. ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, ‘હું ઘણું વાંચું છું. હું સંગીત સાંભળું છું. મને ભારતીય શાસ્ત્રીય સંગીત ગમે છે. મને વેસ્ટર્ન પોપ મ્યુઝિક સાંભળવું પણ ગમે છે.’ એક બાબત જે મને સૌથી વધુ આનંદ આપે છે તે છે યુવાનો સાથે વાતચીત. મારે લખવું છે. આ વસ્તુઓ છે જે મને ખૂબ જ શાંતિ આપે છે. રાજકારણમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે, ‘ના, મને એવું નથી લાગતું.’ જસ્ટિસ ચંદ્રચુડ ૧૦ નવેમ્બરે નિવૃત્ત થયા હતા.