Last Updated on by Sampurna Samachar
૧૦૦ કરોડમાં રોડ તો બનાવી દીધો પણ રોડની વચ્ચે ઝાડ !!
આ મામલો જહાનાબાદમાં પટના-ગયા મેઇન રોડનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજધાની પટનાથી ફક્ત ૫૦ કિમી દૂર જહાનાબાદમાં આવો અનોખો કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રોડની વચ્ચોવચ ઝાડ આવી ગયા છે. આ મામલો જહાનાબાદમાં પટના-ગયા મેઇન રોડનો છે. ૭.૪૮ કિમી લાંબા આ રોડ પર એક ભાગ એવો છે, જ્યાં રસ્તાની એકદમ વચ્ચે લાંબા લાંબા ઝાડ ઊભેલા છે.
આવી રીતે રોડની વચ્ચે રાતોરાત કંઈ ઝાડ ઊગી નીકળે નહીં, તો પછી એવું શું થયું કે આવા નવા રોડ પર આટલા મોટા ઝાડ આવી ગયા, જે કોઈપણ દુર્ઘટનાનું કારણ બની શકે છે. હકીકતમાં જોઈએ તો, આ બીજું કંઈ નહીં પણ સરકારી અને વિભાગીય લાપરવાહી છે. જ્યારે જિલ્લા પ્રશાસને ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રોડને પહોળા કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો તો તેમને ઝાડ હટાવવાની મંજૂરી માટે વન વિભાગનો સંપર્ક કર્યો, પણ તેમની માંગ ફગાવી દેવામાં આવી હતી.
૧૦૦ કરોડ રૂપિયામાં મોતનો રસ્તો બનાવ્યો
બદલામાં વન વિભાગે ૧૪ હેક્ટર જમીન માટે વળતરની માંગ કરી હતી. જોકે જિલ્લા પ્રશાસન આ ભલામણને પૂરી કરી શક્યું નહીં અને તેમણે એક વિચિત્ર પગલું ઉઠાવ્યું. તેમણે રોડની વચ્ચે ઝાડ ઊભા રાખ્યા અને તેની આજુબાજુમાં ચારેતરફ નવો રોડ બનાવી દીધો. તકલીફ એ છે કે ઝાડ એક લાઇન સીધા પણ નથી લગાવ્યા, જેનાથી ડ્રાઈવર બચી શકે. તેને પાર કરીને નીકળવું પડશે. એવું લાગે છે કે આ ૧૦૦ કરોડ રૂપિયામાં મોતનો રસ્તો બનાવ્યો છે.
એક રાહદારીએ જણાવ્યું કે રસ્તાની વચ્ચોવચ ઝાડ હોવાના કારણે પહેલા પણ કેટલીય દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. પણ જિલ્લા પ્રશાસન ઝાડને હટાવવા માટે કોઈ ઠોસ પહેલ કરતું દેખાતું નથી. જો કોઈ મોટી દુર્ઘટના થઈ જાય અને કોઈનું મોત થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર હશે ? આ એક સવાલ છે, જેનો હજુ સુધી જવાબ નથી મળ્યો.