Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ડેટાથી જાહેર
આવી સ્થિતિમાં દેશમાં ઝડપી ન્યાય કેવી રીતે થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં કેસના અસહ્ય ભારણથી દબાયેલી જિલ્લા અદાલતોમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર માત્ર ૨૨ જજ છે, જ્યારે કાયદા પંચ અને બંધારણીય બેંચના ર્નિણય પ્રમાણે ૨૦૦૭ સુધીમાં જ ૫૦ જજો હોવા જાઈએ. એટલું જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં જજ અને વસતીનો ગુણોત્તર રાષ્ટ્રીય સરેરાશ ૨૨ કરતાં પણ ઓછો છે.

આ સ્થિતિ ૨૦૧૧ની વસ્તી ગણતરીના ડેટાના હિસાબથી છે, જ્યારે દેશની વર્તમાન વસ્તી પ્રમાણે આ સરેરાશ ઘણી ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં દેશમાં ઝડપી ન્યાય કેવી રીતે થશે. આનો ખુલાસો કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટાના વિશ્લેષણથી થયો છે. આ આંકડો ભારતીય ન્યાયતંત્રની સૌથી મોટી નબળાઈ તરફ આંગળી ચીંધે છે.
ભારત ચીન, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઘણું પાછળ
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશભરની જિલ્લા અદાલતો માટે જજોની મંજૂર સંખ્યા ૨૫,૪૩૯ છે અને આમાંથી લગભગ ૫,૦૦૦ જગ્યાઓ ખાલી છે. ૨૦૧૧ની વસતી ગણતરીના ડેટા અને દેશમાં ન્યાયાધીશોની વર્તમાન મંજૂર સંખ્યાના આધારે, કાયદા મંત્રાલયે અંદાજ લગાવ્યો છે કે, જિલ્લા અદાલતોમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર ૨૨ જજ છે. ૨૦૧૧માં દેશની વસ્તી લગભગ ૧૨૧ કરોડ હતી, જ્યારે હાલમાં ૧૪૦ કરોડથી વધુ વસ્તીનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કાયદા પંચે ૧૯૮૭ એટલે કે ૩૮ વર્ષ પહેલાં પોતાના ૧૨મા રિપોર્ટમાં પ્રતિ ૧૦ લાખ વસ્તી પર જજની સંખ્યા ૫૦ કરવાની ભલામણ કરી હતી, જેથી અદાલતોમાં કેસોનું ભારણ વધવાના બદલે નાગરિકોને ઝડપી ન્યાય મળે. સુપ્રીમ કોર્ટે ૨૦૦૨માં ઓલ ઇન્ડિયા જજીસ ઍસોસિએશન દૃજ ભારત સરકારના કેસમાં આપેલા ચુકાદામાં કાયદા પંચની ભલામણ પ્રમાણે ૨૦૦૭ સુધીમાં દેશમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર ૫૦ જજ નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વસ્તી અને જજના ગુણોત્તરના મામલે ભારત ચીન, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઘણું પાછળ છે. એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં જ્યાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર ૩૦૦ જજ છે, ત્યારે બીજી તરફ અમેરિકામાં ૧૫૦ જજ છે. જ્યારે યુરોપિયન દેશોમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર ૨૨૦ જજ છે. કાયદા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ ૧૦ લાખની સંખ્યા પર જજની સંખ્યા ૦.૦૨૮ છે, જ્યારે હાઇકોર્ટમાં તે ૦.૯૨ છે. સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા ૩૪ છે, અને હાલમાં ૩૩ જજ સેવારત છે. જ્યારે હાઇકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા ૧,૧૨૨ છે અને લગભગ ૩૦૦ જગ્યાઓ ખાલી છે.
પ્રમુખ રાજ્યોમાં પ્રતિ ૧૦ લાખ વસ્તી પર જજની સંખ્યા
– બિહાર – ૧૯.૪૫
– ઉત્તર પ્રદેશ – ૧૮.૫૨
– ઝારખંડ – ૨૧.૪૩
– ઉત્તરાખંડ – ૨૯.૫૫
– દિલ્હી – ૫૩.૪૩
– પશ્ચિમ બંગાળ – ૧૨.૦૫
– મધ્ય પ્રદેશ – ૨૭.૯૨
– ગુજરાત – ૨૮.૪૬
– આસામ – ૧૫.૫૪
– મિઝોરમ – ૬૭.૪૪