Last Updated on by Sampurna Samachar
ગ્રામજનોએ DM અને SDM ઓફિસની બહાર દેખાવ કર્યો હતો
૫ લાખનો વાયદો અને ૫-૫ હજારના ચેક આપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યાના પાંચ દિવસ પછી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત તરીકે ૫,૦૦૦ રૂપિયાના ચેક આપવામાં આવ્યા. જોકે, ઘણાં લોકોએ આ રાહત રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પીડિત લોકોએ કહ્યું કે, આ અમારા દુ:ખનું અપમાન છે. અમે બધું ગુમાવ્યું છે, અમારા પરિવારો, ઘરો, કરોડો રૂપિયાના વ્યવસાયો. આ રકમ અપમાનજનક છે. અમને વાયદો પાંચ પાંચ લાખનો કર્યો હતો અને તાત્કાલિક રાહતરૂપે ૫-૫ હજારના ચેક થમાવી દેવાયા છે.

અહેવાલ અનુસાર, પીડિત લોકોનું કહેવું છે કે, આ દુર્ઘટના પછી વિસ્તારમાં વીજળી નહોતી, તેથી તેમણે મીણબત્તીઓના પેકેટ વહેંચવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ચાર દિવસ પછી અમરા સુધી પહોંચ્યા. અમે રાતો અંધારામાં વિતાવી. અમે ભોજન બનાવવા માટે લાકડા બાળ્યા. સરકાર રાશન વિશે વાત કરે છે, પરંતુ તે પણ અમારા સુધી પહોંચ્યું નહીં. રાશન શોધવા માટે અમારે ઘરે ઘરે ભટકવું પડ્યું. એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, ૫,૦૦૦ રૂપિયાના ચેક એક કામચલાઉ ઉપાય છે અને નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ બાકી છે.
૧૩૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
ગ્રામજનોએ DM અને SDM ઓફિસની બહાર દેખાવ કર્યો હતો અને રાહત કાર્યની ધીમી ગતિ પર સરકાર સામે મોદી ધામ તાપો નારા લગાવ્યા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં હર્ષિલ અને મુખાબાની મુલાકાત લીધી હતી અને તે સમયે આ સૂત્રનો ઉપયોગ આ વિસ્તારમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ધરાલી ગામનો અડધો ભાગ નાશ પામ્યો હતો અને ઘણાં લોકો ગુમ થયા છે. સેનાના જવાનોની સાથે, ધરાલીમાં ઘણી એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.