Last Updated on by Sampurna Samachar
આર્થિક વિકાસ પર કર્યું મહત્ત્વનું સંશોધન
૩ પ્રોફેસરને આપવામાં આવ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૨૫નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે, આ અર્થશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે કેવી રીતે ઇનોવેશન થકી આર્થિક વિકાસનો માર્ગ ખુલે છે. તેમની શોધના આધારે સ્પષ્ટ થાય છે કે ટેક્નોલોજી ઝડપથી બદલાય છે અને તેની અસર આપણા સૌ પર પડે છે.
બીજી તરફ, ગયા વર્ષે (૨૦૨૪માં), અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ડેરૉન ઐસમૉગ્લૂ, સાયમન જૉનસન અને જેમ્સ એ રૉબિન્સન આ ત્રણ અર્થશાસ્ત્રીઓને આપવામાં આવ્યો હતો. તેમણે અમુક દેશો ધનવાન અને અન્ય ગરીબ હોવા પાછળના કારણોનો અભ્યાસ કર્યો હતો. તેમના દસ્તાવેજો મુજબ, વધુ સ્વતંત્ર અને ખુલ્લા સમાજોની સમૃદ્ધ થવાની શક્યતા વધારે હોય છે.
૧૮ કેરેટનો ગોલ્ડ મેડલ અને એક સર્ટિફિકેટ એનાયત
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થવાથી આ વર્ષના તમામ નોબેલ પુરસ્કારોની જાહેરાત પૂરી થઈ ગઈ છે. નોબેલ પુરસ્કાર સમારોહ દર વર્ષે ૧૦ ડિસેમ્બરના રોજ યોજાય છે. આ તારીખ પુરસ્કારના સંસ્થાપક આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે, જેઓ ૧૮૯૬માં અવસાન પામ્યા હતા. નોબેલ એક સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનેમાઇટના શોધક હતા.
દરેક વિજેતાને પુરસ્કાર સ્વરૂપે ૧.૧ કરોડ સ્વીડિશ ક્રોનર (આશરે ૧૨ લાખ ડૉલર)ની રકમ, ૧૮ કેરેટનો ગોલ્ડ મેડલ અને એક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ અગાઉ, રસાયણ વિજ્ઞાનના નોબેલ પુરસ્કારથી સુસુમુ કિતાગાવા, રિચર્ડ રૉબ્સન અને ઉમર એમ યાઘીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યારે, ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર જૉન ક્લાર્ક, માઇકલ એચ ડેવોરેટ અને જૉન એમ માર્ટિનિસને ક્વોન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે તેમની શોધ માટે એનાયત કરાયો હતો. શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો હતો.