Last Updated on by Sampurna Samachar
મોમોઝનો સ્ટોલ ધરાવતા ૩ યુવાનોએ ફોસલાવ્યો
આ આખી ઘટના ભગવાનપુર તિવારી ગામની
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોમોઝ ખવડાવવાના બહાને ધોરણ ૭ માં અભ્યાસ કરતા એક બાળકને ફોસલાવીને ૩ યુવકોએ ઘરના લાખો રૂપિયાના ઘરેણાં હડપી લીધા છે. આ આખી ઘટના ભગવાનપુર તિવારી ગામની છે, જ્યાં પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

પીડિત પિતા વિમલેશ મિશ્રા વારાણસીમાં એક મંદિરમાં પૂજારી છે. તેમણે જણાવ્યું કે, તેમનો દીકરો મોમોઝ ખાવાનો ખૂબ શોખીન છે અને આ જ કમજોરીનો ફાયદો ઉઠાવીને દેવરિયા-કસયા માર્ગ પર આવેલા ડુમરી ચોક પર મોમોઝનો સ્ટોલ ધરાવતા ૩ યુવાનોએ તેમના બાળકને ધીમે-ધીમે પોતાની જાળમાં ફસાવ્યો.
પોલીસ તરફથી આ મામલે કોઇ નિવેદન નહીં
વિમલેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, આરોપીઓ ઘણા દિવસોથી તેમના દીકરાને મોમોઝ ખવડાવતા હતા અને પછી તેને ફોસલાવીને ઘરમાંથી દાગીના લાવવા કહેતા હતા. પૂજારી વિમલેશ મિશ્રાએ કહ્યું કે, ઘરમાં તેમના અને તેમની બહેનના આશરે ૮૫ લાખ રૂપિયાના દાગીના પડ્યા હતા. જ્યારે તેમની બહેન કોઈ કામથી પોતાના દાગીના લેવા આવી અને કબાટ ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા.
કબાટમાં રાખેલા લગભગ બધા જ દાગીના ગાયબ હતા. ગભરાયેલા પિતાએ દીકરાને પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે તેણે મોમોઝ ખાવા માટે દાગીના ડુમરી ચોક પરના દુકાનદારોને આપી દીધા છે. આ ખુલાસા બાદ પીડિત પરિવારે ત્રણેય યુવકો વિરુદ્ધ નામજાેગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓની ભૂમિકા, બાળકને ફસાવવાની પ્રક્રિયા અને ગાયબ થયેલા દાગીનાની કુલ માત્રાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.
લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે કેવી રીતે એક બાળકને લાંબા સમય સુધી ફોસલાવીને આટલી મોટી ઠગાઈને અંજામ આપવામાં આવ્યો? પોલીસ હવે સીસીટીવી અને સ્થાનિક લોકોની મદદથી આખી ઘટનાની કડીઓ જોડવામાં વ્યસ્ત છે. જોકે, હજુ સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.