Last Updated on by Sampurna Samachar
આ હુમલાનો આરોપી એક સાઉદી ડૉક્ટર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જર્મનીના મ્યુનિક શહેરમાં એક વ્યક્તિએ બેકાબૂ કારથી ૨૦ થી વધુ લોકોને કચડી નાખ્યા હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાળકો પણ સામેલ હોવાના અહેવાલ છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અને અમેરિકન ઉપ પ્રમુખ જે.ડી. વેન્સની બેઠક પહેલા બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સથી માંડ દોઢેક કિલોમીટર દૂર જ બની છે, જેના કારણે મ્યુનિકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો પહોંચી ચૂક્યા છે.
પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે,અમે કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે, જેની પૂછપરછ ચાલી રહી છે. આ હુમલાનો આરોપી એક સાઉદી ડૉક્ટર છે. જણાવી દઈએ કે મ્યુનિકમાં અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે એક બેઠક થવાની છે. આ પહેલાં ટ્રેડ યુનિયન તરફથી આયોજિત દેખાવ દરમિયાન મ્યુનિક સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે દચાઉર સ્ટ્રાસે અને સીડલસ્ટ્રાસેના વિસ્તારમાં એક કારે ભીડને ટક્કર મારી દીધી, જેનાથી આ મોટો અકસ્માત થયો છે.
અકસ્માત મુદ્દે યુનિયને કહ્યું કે, અમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. ઘટના બાદ સુરક્ષા દળોએ તુરંત વિસ્તારનો ઘેરાવ કર્યો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ હુમલો હતો કે દુર્ઘટના. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજાગ્રસ્ત લોકોમાંથી અનેકની સ્થિતિ ગંભીર છે. મ્યુનિક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગેરહાર્ડ પેશ્કેના જણાવ્યા અનુસાર, આરોપી જ્યારે ભીડમાં લોકોને કચડી રહ્યો હતો ત્યારે અનેક લોકો જીવ બચાવવા માટે આસપાસની ઈમારતમાં જતા રહ્યા હતાં.
નોંધનીય છે કે, ગત વર્ષે ૨૦ ડિસેમ્બરે પણ જર્મનીના જ મેગડેબર્ગ શહેરના ક્રિસમસ માર્કેટમાં એક શખસે લોકો પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં ૫ લોકોની મોત નિપજ્યા હતાં અને ૨૦૦ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હુમલાનો આરોપી ૫૦ વર્ષનો એક સાઉદી અરબનો ડૉક્ટર હતો, જે ૨૦૦૬થી જર્મનીના પૂર્વી રાજ્ય સેક્સોની-અહાલ્ટમાં રહેતો હતો. જોકે, આરોપીની તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવાઈ હતી.