Last Updated on by Sampurna Samachar
બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીમાં ગૂંચવણ
આ કાર્યની જવાબદારી ભાજપને સોંપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જનતા દળ યુનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટી એવું નક્કી કર્યું છે કે તેઓ પોતાના બેઠકોના વિતરણ પહેલાં સહયોગી પક્ષોની બેઠકોનો મુદ્દો ઉકેલશે. આ કાર્યની જવાબદારી ભાજપને સોંપવામાં આવી છે. જેડીયુએ ભાજપને સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રથમ લોજપા (રા), રાલોમો અને હમ જેવા સહયોગી દળો વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવે. ત્યાર પછી જ જેડીયુ અને ભાજપ બાકીની બેઠકોનું પોતાનું વિતરણ કરશે. આ વહેંચણી માટેનો ફોર્મ્યુલા બચેલી બેઠકોમાં અડધો-અડધો રહેશે.
છેલ્લા બે-ત્રણ દિવસમાં સહયોગી પક્ષોના વલણ જોઈને જ આ ર્નિણય લેવામાં આવ્યો છે કે પહેલા તેમનો જ મામલો પતાવવામાં આવે. ચિરાગ પાસવાનની લોજપા (રા) એ ૪૦ બેઠકોની માંગ કરી છે, તો ઉપેન્દ્ર કુશવાહાની રાલોમોને ૨૦ બેઠકોની જરૂર છે. એ જ રીતે જીતન રામ માંઝીની હમને ઓછામાં ઓછી ૧૫ બેઠકો જોઈએ છે.
ત્રણેય પક્ષોના નેતાઓ સાથે વાતચીત શરૂ
હાલમાં, કોઈપણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી, ત્રણેય સહયોગી દળો પોતપોતાની માંગણીઓ પર મક્કમ છે. પરિણામે, સહયોગી પક્ષોની કુલ માંગ વધીને ૭૫ બેઠકો સુધી પહોંચી ગઈ છે. આનાથી જેડીયુ-ભાજપ માટે પરિસ્થિતિ ગૂંચવાઈ ગઈ છે, કારણ કે તેમની પાસે હવે માત્ર ૧૬૮ બેઠકો જ બાકી રહે છે. બીજી તરફ, જેડીયુ અને ભાજપ પોતે ઓછામાં ઓછી ૧૦૧-૧૦૩ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, જ્યારે સહયોગી દળો માટે માત્ર ૩૮-૪૦ બેઠકો જ વહેંચવાની યોજના હતી. ઉલ્લેખનીય છે કે, એકલા જેડીયુની માંગ તો ૧૦૯ બેઠકોની છે.
મૂળ યોજના મુજબ, અન્ય સહયોગી પક્ષો માટે માત્ર ૩૩ બેઠકો જ બાકી રહેવાની હતી, જેમાં એક-બે બેઠકનો ફેરફાર કરવાની સંભાવના હતી. જોકે, સહયોગી પક્ષોની નવી અને ઊંચી માંગણીઓને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે સહયોગી પક્ષોની બેઠકોની ભાગીદારીમાં ચોક્કસપણે વધારો થશે. આ કારણોસર જ, જેડીયુએ ભાજપ સાથે પોતાની બેઠકોની વહેંચણી શરૂ કરતાં પહેલાં અન્ય ત્રણેય સહયોગી પક્ષોની બેઠકો નક્કી કરવા પર ભાર મૂક્યો છે. આ અંગે ત્રણેય પક્ષોના નેતાઓ સાથે વાતચીત શરૂ થઈ ચૂકી છે અને અપેક્ષા છે કે આગામી બે દિવસમાં બેઠકો અંગે અંતિમ ર્નિણય લેવાઈ જશે.