Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે ૧૦ વર્ષોથી જાટ સમાજ સાથે OBC અનામતના નામ પર દગો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમાજને કેન્દ્રની OBC લિસ્ટમાં સામેલ કરવાને લઈને પત્ર લખ્યો છે. કેજરીવાલે કહ્યું કે, તમે દિલ્હીના જાટ સમાજ સાથે દગો કર્યો છે. દિલ્હીમાં OBC દરજ્જો પ્રાપ્ત જાટ અને અન્ય જાતિઓને કેન્દ્રની OBC લિસ્ટમાં સામેલ કરવામાં આવે.
તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે ૧૦ વર્ષોથી જાટ સમાજ સાથે OBC અનામતના નામ પર દગો કર્યો છે. તમે ૨૦૧૫માં જાટ સમાજના નેતાઓને ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે, દિલ્હીના જાટ સમાજને કેન્દ્રની OBC લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ૨૦૧૯માં અમિત શાહે જાટ સમાજને કેન્દ્રની OBC લિસ્ટમાં લાવવાનું વચન આપ્યું હતું. રાજસ્થાનના જાટ સમાજના વિદ્યાર્થીઓને ડીયૂમાં રિઝર્વેશન મળે તો દિલ્હીના જાટ સમાજને કેમ ન મળે?.’
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, ‘કેન્દ્રની OBC લિસ્ટમાં ન હોવાને કારણે દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને પ્રવેશ નથી મળતો. મોદી સરકાર દિલ્હીમાં OBC લિસ્ટમાં હોવા છતાં સરકારની સંસ્થાઓમાં જાટ સમાજને લાભ નથી મળવા દઈ રહી. દિલ્હીના જાટ સમુદાયને અનામત નથી મળતું. તેમને કોલેજમાં એડમિશન કે નોકરીઓમાં અનામત નથી મળતું.
વડાપ્રધાને પોતે જાહેરાત કરી હતી કે જાટ સમુદાયને અનામત મળશે, પરંતુ તેમ છતાં તેમને કેન્દ્રની OBC લિસ્ટમાં સામેલ કરવામાં ન આવ્યા. ‘ આપ પ્રમુખે નિશાન સાધતા કહ્યું કે, ‘ગૃહમંત્રીએ પણ વાયદો કર્યો હતો, પરંતુ તેમ છતાં તેમને સામેલ કરવામાં ન આવ્યા. વડાપ્રધાન અને ગૃહમંત્રી જૂઠું બોલી રહ્યા છે. ચૂંટણી પહેલા બોલે છે અને વાયદા કરે છે પરંતુ બાદમાં બધુ ભૂલી જાય છે. મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને તેમને પોતાનું વચન યાદ અપાવ્યું છે જે તેમણે જાટ સમાજને આપ્યું હતું.’